08 May, 2023 01:24 PM IST | Houston | Gujarati Mid-day Correspondent
પાંખ પર મધમાખીઓ ભેગી થતાં ફ્લાઇટ ચાર કલાક મોડી પડી
વિવિધ કારણસર ફ્લાઇટ મોડી પડતી હોય છે, પરંતુ અમેરિકાના હ્યુસ્ટનમાં મધમાખીઓનું ટોળું વિમાનની પાંખ પર ભેગું થતાં વિમાન ચાર કલાક મોડું પડ્યું હતું. ડેલ્ટા ઍરલાઇન્સની હ્યુસ્ટનથી ઍટલાન્ટા જતી ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨.૨૫ વાગ્યે ઊપડવાની હતી, જે ૪.૩૦ વાગ્યા સુધી ટેક-ઑફ થઈ શકી નહોતી. વિમાનના એક પૅસેન્જર અને પત્રકાર અંજલિ એન્જેટીએ સમગ્ર ઘટનાનો અહેવાલ આપવાની સાથોસાથ વિમાનની પાંખ પર બેસેલી મધમાખીઓનો ફોટો પણ શૅર કર્યો હતો. કોઈ ઉપાય ન મળતાં આખરે તમામ મુસાફરોને વિમાનમાંથી ઊતરવાનું જણાવાયું અને તેમને બીજી ફ્લાઇટમાં લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે વિમાનનું એન્જિન શરૂ કરવામાં આવતાં તમામ મધમાખીઓ ઊડી ગઈ હતી. એ પછી ઍરલાઇન્સના પ્રવક્તાએ મજેદાર સ્ટેટમેન્ટ આપતાં કહ્યું કે મધમાખીઓ અમારા વિમાનની પાંખ પર ચર્ચા કરવા ભેગી થતાં ફ્લાઇટના ટેક-ઑફમાં વિલંબ થયો હતો. તેઓ ઍરપોર્ટ પરની ફ્લાઇંગ કન્ડિશન વિશે ચર્ચા કરતા હતા. તેમણે પ્રવાસીઓની માફી માગતાં કહ્યું હતું કે પાંખ પર ભેગી થયેલી મધમાખીઓને હાનિ ન પહોંચે અને વિમાનની પાંખને પણ નુકસાન ન થાય એની કાળજી કરવા જતાં વિમાન મોડું પડ્યું હતું.