17 August, 2025 08:20 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં એક અજીબોગરીબ ચલણ વધી રહ્યું છે. અહીં બેરોજગારી ખૂબ છે, પરંતુ લોકો પોતાની બેરોજગારીને છુપાવવા માટે કોઈ પણ હદે જાય છે. બેરોજગાર હોવું એ આર્થિક રીતે તો બોજારૂપ છે જ, પણ નોકરી વિના ઘરે બેસી રહેવું એ સામાજિક અને માનસિકરૂપે પણ ખૂબ કપરું હોય છે. આનો ઉકેલ ચીનીઓએ નકલી ઑફિસ દ્વારા શોધ્યો છે. જેમ આપણે ત્યાં કૉમન વર્કપ્લેસનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે એમ અહીં ફેક વર્કપ્લેસ ચાલે છે. અહીં તમને ઑફિસ જેવું જ વાતાવરણ મળે છે અને તમારે ઑફિસના કલાકો દરમ્યાન રોજ અહીં જઈને બેસવાનું હોય છે. ઑફિસની જેમ સમયસર એન્ટ્રી પંચ કરવાની અને ત્યાં જઈને કામ કરતા હો એમ કંઈક ને કંઈક બિઝી રહેવાનું. અહીં તમને કામ કરવાની અલાયદી ડેસ્ક મળે, લંચની સુવિધા પણ મળે અને ફ્રી વાઇ-ફાઇ પણ મળે. અહીં તમને તમારા જેવા જ નકલી નોકરિયાતો મળી રહેશે. જો તમે ઇચ્છતા હો કે તમારે મૅનેજરનો ત્રાસ પણ સહન કરવો છે તો અહીં નકલી મૅનેજર પણ મળી જશે. કામનો દેખાડો કરનારી કંપનીઓ ચીનમાં છેલ્લા છ મહિનામાં ખૂબ ફૂલીફાલી રહી છે.