26 December, 2025 04:15 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બૅન્ડવાજાં વિના ચૂલાની ફરતે ફેરા લઈને બે બહેનપણીઓ બની ગઈ પતિ-પત્ની
બિહારના સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજ ટાઉનમાં સામાજિક પરંપરાઓને લઈને ચર્ચા છેડાઈ જાય એવી ઘટના બની છે. આ ટાઉનમાં એક મૉલમાં કામ કરતી બે યુવતીઓએ સમાજની પરવા કર્યા વિના એકમેકની સહમતીથી સમલૈંગિક વિવાહ કરી લીધા છે. નવાઈની વાત એ છે કે તેમણે લગ્ન માટે અગ્નિકુંડને બદલે ગૅસના ચૂલોના અગ્નિને સાક્ષી માનીને ફેરા ફરી લીધા હતા. ઇન્સ્ટાગ્રામ પરથી તેમની દોસ્તી શરૂ થઈ હતી. મધેપુરા જિલ્લાની ૨૧ વર્ષની પૂજા ગુપ્તા અને ૧૮ વર્ષની કાજલ કુમારી બે વર્ષ પહેલાં સોશ્યલ મીડિયા પર મળી હતી. જોકે તેમની વચ્ચે થતી લાંબી વાતોને કારણે ધીમે-ધીમે દોસ્તી પ્રેમમાં પરિણમવા માંડી. તેમણે પોતાનું ગામ છોડીને નોકરી માટે ટાઉનમાં જવાનું નક્કી કર્યું અને છેલ્લા બે મહિનાથી બન્ને ત્રિવેણીગંજમાં એક મકાન ભાડે રાખીને સાથે રહેતી હતી અને એક સ્થાનિક મૉલમાં કામ કરતી હતી. એક રાતે તેમણે પોતાના ઘરે જ ગૅસના ચૂલાનો અગ્નિ પ્રગટાવીને ફેરા ફરી લીધા હતા. એ પછી મંગળવારે રાતે બન્ને એક મંદિરમાં પહોંચી ગઈ. ત્યાં તેમણે ભગવાનની સાક્ષીએ વરમાળાની લગ્નની રસમ પૂરી કરી. આ લગ્નમાં પૂજા ગુપ્તાએ દુલ્હાની ભૂમિકા નિભાવી જ્યારે કાજલ કુમારી દુલ્હન બની હતી. લગ્ન પછી તેમણે પોતાનો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂકીને લગ્નની જાહેરાત કરતાં ગામઆખામાં એની ચર્ચા થવા માંડી.