08 November, 2023 09:00 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અક્ષયકુમારની ફિલ્મ ‘પૅડમૅન’ આવી એ પછીથી થોડી મુક્તતાથી સૅનિટરી પૅડની ચર્ચા થવા લાગી હતી. જોકે એ પછી પણ હજી પિરિયડ્સની વાત કરવામાં છોછ એટલો જ અનુભવાય છે. માસિક એ દરેક સ્ત્રીના જીવનનું નૅચરલ ચક્ર છે છતાં એના વિશે વાત કરવામાં પુરુષો શરમાય છે. ફાર્મસિસ્ટ હજી પણ કસ્ટમરને સૅનિટરી પૅડ્સ ન્યુઝપેપર અથવા કાળી બૅગમાં લપેટીને આપે છે. સ્ત્રીઓ અંદર-અંદર મુક્તપણે વાત નથી કરતી અને પુરુષો પણ પિરિયડ્સ કે પૅડ્સની વાત કરતાં ખચકાય છે. આ બાબતે અવેરનેસ આવે એ માટે બે ડિજિટલ કન્ટેન્ટ ક્રીએટરોએ બૅન્ગલોરના રસ્તા પર પુરુષોને સૅનિટરી પૅડ્સ વહેંચવાનું શરૂ કર્યું. ઉદ્દેશ એ જ કે પુરુષો પણ સ્ત્રીઓની મેન્સ્ટ્રુએશન પ્રક્રિયા બાબતનો છોછ દૂર કરે અને આ ઘટનાને સ્વસ્થ રીતે સ્વીકારતા થાય.
ડિજિટલ સર્જકો શેન્કી સિંહ અને સિદ્ધેશ લોકરેએ થોડા દિવસ પહેલાં તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પહેલનો વિડિયો શૅર કર્યો હતો. અત્યાર સુધી તેમની ક્લિપને લાખો લાઇક્સ મળી છે.
તેમણે વિડિયોની કૅપ્શનમાં આ પહેલ પાછળનો ઉદ્દેશ સમજાવ્યો અને લખ્યું કે ‘બે પૅડમેને ૧૦૦ પુરુષોને સૅનિટરી પૅડ્સનું વિતરણ કર્યું! આ પ્રયોગનો ઉદ્દેશ માસિકધર્મીઓને તેમના જીવનમાં સૅનિટરી પૅડ્સ ખરીદવા અને ગિફ્ટ આપવાના કાર્યને સામાન્ય બનાવવાનો હતો. આપણે ઘણી વાર મેડિકલ સ્ટોર્સ પર બ્લૅક કૅરીબૅગ સાથે પૅડ વેચતા જોતા હોઈએ છીએ. માસિકસ્રાવ અને પિરિયડ્સ શરમની વાત અથવા તો પ્રાઇવસીનો મામલો છે એવી માન્યતા છે એટલે અમે બૅન્ગલોરના રસ્તાઓ પર પુરુષોને કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછવાનું વિચાર્યું હતું.’
આ ક્લિપ પર કોઈકે ટિપ્પણી કરેલી, ‘આ વ્યક્તિ વિશ્વને બદલી રહ્યો છે! કોઈને આટલી પૉઝિટિવિટી અને દયા ફેલાવતા જોઈને હું મારી જાતને લકી માનું છું.’ બીજાએ કહ્યું, ‘તમારી વિચારસરણી સારી છે ભાઈ! ચાલુ રાખો... કદાચ એક દિવસ દરેક માણસ તમારા જેવું વિચારવા માંડશે.’