03 April, 2026 12:27 PM IST | Rajgarh | Gujarati Mid-day Correspondent
બિટ્ટુ તાબાહીએ એકલા હાથે નદી સાફ કરી એની ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ પ્રશંસા કરી
મધ્ય પ્રદેશના બિયાઓરા ગામના એક યુવાન બિટ્ટુ તાબાહીએ એકલા હાથે નદી સાફ કરી એની ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ પ્રશંસા કરી છે. બિટ્ટુ નદીની સફાઈ કરતો હોય એવા વિડિયો જોયા પછી ઘણા લોકોએ શરૂઆતમાં તેના આ કામના હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા. દૃઢ નિશ્ચયથી સજ્જ બિટ્ટુએ નદીમાંથી કચરો સાફ કરવાનું શારીરિક રીતે મુશ્કેલ કાર્ય હાથમાં લીધું હતું અને અનેક મુશ્કેલીઓ છતાં સતત કામ કર્યું હતું. પ્રદૂષિત પાણીમાં કૂદકો મારતા, કાટમાળ કાઢતા અને નદીના ભાગોની સફાઈ કરતાં તેનાં દૃશ્યો દર્શકોના દિલમાં ઊતરી ગયાં છે. શરૂઆતમાં લોકોએ તેને ટ્રોલ કર્યો હતો કે આ યુવાન તેની પોસ્ટને વધારે વ્યુ મળે એ માટે આવું કામ કરી રહ્યો છે. જોકે આનંદ મહિન્દ્રએ તેના કામને મન્ડે મોટિવેશન ગણાવતાં બિટ્ટુની ઑનલાઇન થતી ટીકા હવે પ્રશંસામાં ફેરવાઈ ગઈ છે.
આનંદ મહિન્દ્રએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં બિટ્ટુના પ્રયાસોની પ્રશંસા કરતાં લખ્યું કે ‘મધ્ય પ્રદેશના બિયાઓરાના આ યુવાનની સોશ્યલ મીડિયા પર વ્યુ મેળવવા માટે નદીના કેટલાક ભાગો સાફ કરવાનો દાવો કરવા બદલ ટીકા થઈ હતી. સારું, આપણે સામાન્ય રીતે ફરિયાદ કરીએ છીએ કે સોશ્યલ મીડિયા અર્થપૂર્ણ કરતાં નજીવી બાબતોને પ્રાધાન્ય આપે છે. તેથી જો ‘લાઇક્સ’ની ઇચ્છા સારા કામ માટે મોટિવેશન બની શકે છે તો એ મારા માટે ઠીક છે. બિટ્ટુનું કામ મારા માટે મન્ડે મોટિવેશન છે.’