21 July, 2025 01:38 PM IST | New york | Gujarati Mid-day Correspondent
મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) મશીન
ન્યુ યૉર્કની નાસાઉ કાઉન્ટીના લૉન્ગ આઇલૅન્ડમાં રહેતા ૬૧ વર્ષના એક માણસનું ગયા બુધવારે ન્યુ યૉર્કના વેસ્ટબરીમાં એક મેડિકલ સેન્ટરમાં મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) મશીનમાં ખેંચાઈ જવાથી મૃત્યુ થયું હતું. તેના ગળામાં ૨૦ પાઉન્ડ વજનની મેટલની મોટી ચેઇન હતી જેના કારણે તે MRI મશીનમાં રહેલા શક્તિશાળી મૅગ્નેટથી ખેંચાઈને મશીનમાં પહોંચી ગયો હતો.
MRI સેન્ટરમાં આ ભાઈની પત્ની ઘૂંટણનું સ્કૅન કરાવી રહી હતી. સ્કૅન પૂર્ણ થયા બાદ તેનો પતિ સ્કૅનિંગ-ટેબલ પરથી ઊભા થવામાં તેને મદદ કરવા માટે MRI રૂમમાં પ્રવેશ્યો હતો. એ સમયે મશીનના શક્તિશાળી મૅગ્નેટને કારણે તે મશીનમાં જતો રહ્યો હતો. તેને બહાર કાઢવા માટે ટેક્નિશ્યનોએ પ્રયાસ કર્યા હતા. ત્યાર બાદ મશીન બંધ કરીને તેને બહાર કાઢીને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બીજા દિવસે ઈજાઓને કારણે તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.
આ ઘટના સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે તે વેઇટ-ટ્રેઇનિંગ માટે ૨૦ પાઉન્ડની ચેઇન પહેરતો હતો. આ દુર્ઘટનાને પગલે ડૉક્ટરોએ MRI સલામતી પ્રોટોકૉલના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું હતું કે મશીનના તીવ્ર ચુંબકીય ક્ષેત્રને કારણે દરદીઓએ MRI સ્કૅન કરાવતાં પહેલાં ઘરેણાં, બેલ્ટ અને અમુક કપડાં સહિત તમામ ધાતુની વસ્તુઓ દૂર કરવી જરૂરી છે.