06 December, 2025 01:48 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્તીસગઢના નક્સલવાદી વિસ્તાર ગણાતા બસ્તર જિલ્લાના જગલદલપુર ગામમાં એક પિતાએ પોતાની દીકરીની ચિંતાને કારણે તેની સાથે એટલી જબરદસ્તી કરી કે તેનું જીવન અંધારામાં કેદ થઈ ગયું. લિસા નામની એક છોકરીને તેના પિતાએ ૨૦ વર્ષ સુધી ઘરની એક રૂમમાં બંધ કરી રાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તે જસ્ટ ૮ વર્ષની હતી ત્યારથી તેમણે આવું કર્યું હતું. એ રૂમમાં ન તો જરાય અજવાળું આવતું હતું, ન હવાની પૂરતી અવરજવર હતી. ત્યાં જ તેને ખાવા-પીવાનું, નાહવાનું-સૂવાનું અને રમવાનું રહેતું. લગાતાર અંધારામાં જ રહેવાને કારણે તેની આંખોની રોશની પણ સાવ ઘટી ગઈ છે. આટલાં વર્ષોથી તે ઘરમાં જ રહેતી હોવા છતાં પાડોશીઓને પણ ખબર નહોતી કે બાજુના ઘરમાં કોઈ છોકરી ચાર દીવાલની અંદર કેદ છે અને જીવે છે, કેમ કે તેને રૂમમાંથી કદી બહાર આવવા જ નહોતી દેવાઈ. થોડા મહિના પહેલાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું એ પછી તેના નાનાએ હિંમત એકઠી કરીને સમાજ કલ્યાણ વિભાગને ફરિયાદ કરી કે તેની પૌત્રીને રૂમમાં કેદ કરીને રાખવામાં આવી છે. જ્યારે સમાજ કલ્યાણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે છોકરીની હાલત જોઈને અચરજ પામી હતી. ૨૦ વર્ષથી લિસાએ કદી અજવાળું જોયું નહોતું. તે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ નાજુક અવસ્થામાં હતી. તેણે આટલાં વર્ષોમાં ઘરના ગણ્યાગાંઠ્યા સભ્યો સિવાય કોઈનું મોં પણ જોયું નહોતું. હવે તેને એક આશ્રમમાં ટ્રાન્સફર કરવામાં આવી છે જ્યાં નૉર્મલ લાઇફ તરફ લાવવાની કોશિશ થઈ રહી છે.