વેસ્ટેજ ઘટાડવા જૅપનીઝ કંપનીએ સફેદ ક્રસ્ટવાળી બ્રેડ બનાવી

25 September, 2022 09:54 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

વાઇટ ક્રસ્ટવાળી બ્રેડ ઇમ્પીરિયલ હોટેલની રેસ્ટોરાંમાં અને ભોજન સમારંભોમાં પીરસવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સૅન્ડવિચ બનાવતી વખતે બ્રેડની ચારે બાજુના ક્રસ્ટને કાઢી નાખવાની પદ્ધતિને નાબૂદ કરવાના હેતુથી જૅપનીઝ કંપનીએ સફેદ ક્રસ્ટવાળી બ્રેડ બનાવી છે. જપાનમાં મોટા ભાગે સૅન્ડવિચ બનાવતી વખતે આજુબાજુના બ્રાઉન ક્રસ્ટને કાઢી નાખવામાં આવે છે. બ્રાઉન ક્રસ્ટ સાથેની સૅન્ડવિચ પણ બને છે, પરંતુ એક સામાન્ય માન્યતા છે કે બ્રાઉન ક્રસ્ટ કરતાં બ્રેડની વચ્ચેનો સફેદ હિસ્સો વધુ ટેસ્ટી હોય છે. આ માન્યતા એ સમયની છે જ્યારે બ્રેડનો બ્રાઉન ક્રસ્ટ ઘણો સખત હતો અને સૅન્ડવિચની વચ્ચે ચાવવામાં ઘણો કડક લાગતો હતો. હવે બ્રાઉન ક્રસ્ટ નરમ હોવા છતાં આ માન્યતા બદલાઈ શકી નથી એને કારણે ખોરાકનો બગાડ થાય છે. જોકે હવે કંપની સફેદ ક્રસ્ટવાળી શોકૂપન બ્રેડ બનાવી આ માન્યતા બદલવા માગે છે.

ઇમ્પીરિયલ હોટેલ કંપની લિમિટેડના ટોક્યો શેફ સુગિમોટોનો અને તેમની ટીમને ક્રસ્ટનો બગાડ રોકતી વાઇટ ક્રસ્ટવાળી બ્રેડ બનાવવામાં ૬ મહિના લાગ્યા હતા. ખાદ્ય પદાર્થોના બગાડને રોકવા માટે લોકો બ્રેડ ક્રસ્ટને રીસાઇકલ કરવાની તમામ પ્રકારની રીતો અજમાવી રહ્યા છે, પરંતુ સુગિમોટોનો એવો ક્રસ્ટ બનાવવા માગતા હતા, જેને કાઢવાની જરૂર જ ન રહે.

વાઇટ ક્રસ્ટવાળી બ્રેડ ઇમ્પીરિયલ હોટેલની રેસ્ટોરાંમાં અને ભોજન સમારંભોમાં પીરસવામાં આવશે. 

offbeat news international news japan