03 February, 2026 11:00 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
અમેરિકાની સૅન્ડ્રા વિલિયમ્સ
એક માએ પોતાની દીકરીનું નામ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધવા માટે અનોખું કામ કર્યું. તેણે દીકરીનું નામ એટલું લાંબું રાખ્યું કે ખુદ તેને પોતાને પણ જો દીકરીનું નામ બોલવું હોય તો કાગળમાં જોઈને વાંચવું પડે છે. અમેરિકાની સૅન્ડ્રા વિલિયમ્સ નામની એક મહિલાએ ૧૯૮૪માં ૧૨ સપ્ટેમ્બરે એક દીકરીને જન્મ આપ્યો હતો. તેણે દીકરીનું નામ વિશ્વભરમાં ચર્ચામાં આવે એ માટે અનોખું નામ પાડવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં તેણે દીકરીનું નામ રાખ્યું હતું Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Williams.
જોકે એ પછી તેને થયું કે આટલું મોટું નામ પૂરતું નથી. તેણે એ નામમાં વધુ શબ્દો ઉમેર્યા, સરનેમ અને મિડલ નેમમાં પણ વધારો કર્યો અને આખરે ૧૦૧૯ અક્ષરોનું એક નામ તૈયાર કર્યું. નવાઈની વાત એ છે કે આ નામનું બર્થ-સર્ટિફિકેટ બનાવવામાં પણ તેને ખૂબ મુશ્કેલી પડી. દીકરીનું આખું નામ સર્ટિફિકેટમાં લખવા ઉપરાંત બીજી વિગતો નોંધવા જતાં બર્થ-સર્ટિફિકેટ લગભગ બે ફુટ લાંબું થઈ ગયું હતું. ટૂંકમાં, દીકરીનું નામ અને એનું બર્થ-સર્ટિફિકેટ બન્ને યુનિક બની જતાં બન્નેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.