31 December, 2022 08:28 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સ્ટૅમ્પ
કોઈ સ્ટૅમ્પ આટલો મોંઘો પણ હોઈ શકે છે એ કલ્પના બહારનું છે. જોકે આ સ્ટૅમ્પની કિંમત ૮૫ લાખ ડૉલર (લગભગ ૭૦.૩૦ કરોડ રૂપિયા) છે એ જોતાં ૧૮૫૬ના આ પોસ્ટલ સ્ટૅમ્પને વજનની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોંઘી વસ્તુ ગણાવી શકાય.
વિશ્વમાં જ્વેલરીથી માંડીને દુર્લભ આર્ટવર્ક સુધીની અનેક ચીજો છે, જે ઘણી જ કીમતી હોય છે. જોકે ગ્રામદીઠ કિંમતની વાત આવે તો મેજેન્ટા કલર પર બ્રિટિશ ગુઆના વન-સેન્ટ બ્લૅક સ્ટૅમ્પની તોલે કોઈ ન આવી શકે. આ એક એવો સ્ટૅમ્પ છે જેનું વજન માત્ર ૪૦ મિલિગ્રામ છે, પરંતુ એની કિંમત ૮૫ લાખ ડૉલર (લગભગ ૭૦.૩૦ કરોડ રૂપિયા) છે. જો અન્ય ચીજોના વજનની દૃષ્ટિએ તુલના કરીએ તો ૦.૨ કૅરૅટના હીરાનું વજન પણ ૪૦ મિલિગ્રામ હોય છે, પરંતુ એની કિંમત ૭૦૦ ડૉલર (લગભગ ૫૭,૮૯૬ રૂપિયા) હોય છે, જ્યારે આટલા જ વજનના એલએસડીની કિંમત ૫૦૦૦ ડૉલર (લગભગ ૪,૧૩,૫૪૬ રૂપિયા) જેટલી છે. આમ વજનની દૃષ્ટિએ જોઈએ તો સમાન વજનની અન્ય ચીજોની તુલનાએ આ સ્ટૅમ્પની કિંમત સૌથી વધુ છે.
આ સ્ટૅમ્પની આટલી ઊંચી કિંમત હોવાનું કારણ સ્ટૅમ્પ કલેક્ટર્સ છે. વિશ્વની જાણીતી અને પ્રખ્યાત પોસ્ટલ સ્ટૅમ્પ મનાતી આ ટિકિટ એકમાત્ર સ્ટૅમ્પ છે. આની બીજી કૉપી જ નથી.