જપાનનું આ કપલ દર ૩ વર્ષે છૂટાછેડા લઈને ફરી લગ્ન કરે છે

24 May, 2026 01:33 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

બન્ને પોતપોતાની અટક અપનાવે અને પછી જ્યારે ફરી લગ્ન થાય ત્યારે અટકનું પણ સ્વિચઓવર થઈ જાય.

કપલ

૧૯૯૭માં જપાનમાં પરણેલું એક કપલ આજે પણ દર ત્રણ વર્ષે છૂટાછેડા લે છે અને પછી ફરીથી લગ્નની નોંધણી કરાવે છે. એવું નથી કે દર ત્રણ વર્ષે તેમની વચ્ચે ઝઘડા થાય છે એટલે તેઓ છૂટાં પડે છે. વાત એમ છે કે બન્ને એકમેકને ખૂબ જ રિસ્પેક્ટ કરે છે અને બન્ને માને છે કે સંબંધમાં સમાન અધિકાર હોવો જરૂરી છે. આ સ્પેશ્યલ અરેન્જમેન્ટ પણ એના જ ભાગરૂપે છે. એવું કઈ રીતે? તો એનું કારણ છે સરનેમ એટલે કે અટક. જપાનમાં નિયમ છે કે લગ્ન કર્યા પછી પતિ કે પત્નીએ એકસરખી જ અટક રાખવી જરૂરી છે. પતિ પત્નીની અટક પણ સ્વીકારી શકે અને પત્ની પતિની અટક પણ સ્વીકારી શકે. એમાં કોઈ બાધ નથી. જપાનમાં પણ ભારતની જેમ મોટા ભાગે પત્નીઓ જ પતિની અટક અપનાવતી જોવા મળી છે. જોકે આ યુગલનું માનવું છે કે એવું ન હોવું જોઈએ. જોકે પતિ જ પત્નીની અટક અપનાવે એ વાત પણ બીજી અંતિમ પરિસ્થિતિ છે. એવામાં આ યુગલે નક્કી કર્યું છે કે તેઓ દર ત્રણ વર્ષે અટક બદલશે. ત્રણ વર્ષ માટે પતિ પત્નીની અટક અપનાવે છે અને એ પછી ત્રીજા વર્ષે પત્ની પતિની અટક ધારણ કરે છે. જોકે આ સ્વિચઓવર આપણે માનીએ છીએ એટલું સહેલું નથી. એક વાર જે અટક અપનાવી એને તમે કાનૂની રીતે બદલી ન શકો. આ સમસ્યાના તોડરૂપે તેમણે દર ત્રણ વર્ષ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. છૂટાં થયા પછી બન્ને પોતપોતાની અટક અપનાવે અને પછી જ્યારે ફરી લગ્ન થાય ત્યારે અટકનું પણ સ્વિચઓવર થઈ જાય. 

offbeat news japan sex and relationships