11 July, 2022 08:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય બાર્બી ડૉલ
દાયકાઓથી વિશ્વભરમાં છોકરીઓ માટે શ્રેષ્ઠ ભેટ બાર્બી ડૉલ ગણાતી હતી. જોકે એશિયા અને સાઉથ એશિયાના દેશોની છોકરીઓની પ્રિય ડૉલ હોવા છતાં બાર્બી તેમના જેવી નહોતી દેખાતી. બાર્બી બનાવતી કંપની મેટ્ટલે ૧૯૮૦માં પ્રથમ બ્લૅક બાર્બી બજારમાં મૂકી હતી. હવે તેઓ યુટ્યુબર દીપિકા મુત્યાલા સાથે મળીને સૌપ્રથમ ભારતીય બાર્બી ડૉલ બજારમાં લાવી રહ્યા છે.
મેક-અપ બ્રૅન્ડ લાઇવ ટિન્ટેડની સ્થાપક અને સીઈઓ દીપિકા મુત્યાલાએ સોશ્યલ મીડિયા પર ભારતીય બાર્બીની એક ઝલક શૅર કરી છે, જેમાં ઝુમકા અને બંગડીઓ સાથે પાવર સૂટમાં સજ્જ ઢીંગલી પાછળના ખ્યાલને સમજાવવાની કોશિશ કરી છે.
બાર્બીની વિગતો શૅર કરતાં દીપિકા મુત્યાલાએ કહ્યું કે ૨૦૨૨ની બાર્બીની ચામડી રંગીન છે, આંખો મોટી છે અને ભ્રમર ઘાટી છે. એ એના પાવર સૂટ સાથે ગર્વથી ઝુમકા અને બંગડી પહેરે છે. વિશ્વનો સામનો કરવા તૈયાર બાર્બીની આ ઓળખ છે.
દીપિકા મુત્યાલાએ જણાવ્યા અનુસાર બાર્બી સાંસ્કૃતિક અવરોધને તોડવાનું પ્રતીક છે એ ઇરાદા સાથે ઉચ્ચ લક્ષ્ય રાખે છે. સહાનુભૂતિ અને દયા સાથે વિશ્વમાં પ્રભાવ પાડવાની ઊંડી ઇચ્છા ધરાવતી નિર્ભિક વ્યક્તિત્વવાળી આ નવી બાર્બી સીઈઓ છે. જોકે આ ઢીંગલી વેચાણ માટે નથી મુકાઈ.