01 January, 2026 11:36 AM IST | China | Gujarati Mid-day Correspondent
શૂ બો
ચીનની સૌથી મોટી મોબાઇલ ગેમિંગ કંપનીના સ્થાપક શૂ બો અત્યંત પ્રાઇવેટ લાઇફ જીવવા માટે જાણીતા હતા, પણ પાછલા દિવસોથી તેમનું નામ સમાચારોમાં ચર્ચાએ ચડ્યું છે. અમેરિકાના એક અખબારે એના રિપોર્ટમાં દાવો કર્યો છે કે શૂ બોએ સરોગસીથી ઓછામાં ઓછાં ૧૦૦ બાળકોને જન્મ આપ્યો છે એટલું જ નહીં, તેમની યોજના આ જ રીતે અમેરિકામાં વધુ ૨૦ બાળકો પેદા કરવાની છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શૂ બો પોતાના ૯૦૦૦ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય આ સંતાનોને સોંપીને જવા માગે છે જે એને સારી રીતે સંભાળી શકે.
ચીનમાં સરોગસી પર પ્રતિબંધ હોવાથી શૂ બોએ અમેરિકાના કાનૂનોનો સહારો લીધો હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે. તેમની એક ભૂતપૂર્વ પ્રેમિકાએ તો એવો દાવો કર્યો છે કે શૂનાં કુલ સંતાનોની સંખ્યા તો ૩૦૦ હોઈ શકે છે.
૨૦૨૩માં અમેરિકાની કોર્ટમાં શૂ બોએ ૪ બાળકો માટે ફાધર તરીકેના અધિકાર માગતી અરજી કરી હતી. ત્યારની સુનાવણીમાં પણ તેમણે આ વાત કહી હતી કે તેઓ અમેરિકામાં ૨૦ સંતાનો ઇચ્છે છે જે તેમનું સામ્રાજ્ય સંભાળી શકે.
વર્ષો જૂની તેમની એક પોસ્ટે પણ ચર્ચા જગાવી હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ મોટા રાજવંશના હિમાયતી છે. તેઓ પચાસ ઉત્તમ સંતાનો ઇચ્છે છે જે ઈલૉન મસ્કનાં સંતાનો સાથે લગ્ન કરશે અને એક ગ્લોબલ રાજવંશ બનાવશે.