સાત વર્ષનો આ ટેણિયો પૃથ્વીના સાતેય ખંડ ફરી ચૂક્યો છે

08 January, 2026 01:10 PM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

વાઇલ્ડરની સાતેય ખંડની ઍડ્વેન્ચર ટૂરને તેનાં મમ્મી-પપ્પા જૉર્ડી અને રૉસે સારી રીતે ડૉક્યુમેન્ટ કરી છે.

વાઇલ્ડર મૅક્ગ્રા તેના પૅરન્ટ્સ સાથે

વાઇલ્ડર મૅક્ગ્રા નામનો ૭ વર્ષનો અમેરિકન ટેણિયો પૃથ્વીના સાતેય ખંડ ફરી ચૂક્યો હોવાના સમાચાર આવ્યા છે. મજાની વાત એ છે કે પ્રવાસઘેલાં મમ્મી-પપ્પાને ત્યાં અવતરેલા આ ટપુડાની મુસાફરી તે માત્ર ૮ દિવસનો હતો ત્યારથી શરૂ થઈ ગઈ હતી.

વાઇલ્ડરની સાતેય ખંડની ઍડ્વેન્ચર ટૂરને તેનાં મમ્મી-પપ્પા જૉર્ડી અને રૉસે સારી રીતે ડૉક્યુમેન્ટ કરી છે. આ પ્રાઉડ પેરન્ટ્સનું કહેવું છે કે અમે પહેલેથી જ પ્લાન કર્યો હતો કે અમારું બાળક ૭ વર્ષ સુધીની ઉંમરમાં ૭ ખંડ જોઈ લેશે. વાઇલ્ડર ૮ દિવસનો હતો ત્યારે મૅક્ગ્રા કુટુંબ પોર્ટુગલના પ્રવાસે ઊપડી ગયેલું. એ પછી તેનો બીજો બર્થ-ડે કૅરિબિયન, કૅનેડા અને મેક્સિકો એટલે કે નૉર્થ અમેરિકા ખંડની મુલાકાત સાથે ઊજવ્યો. એ જ રીતે તેમના ટ્રાવેલિંગના ચેકલિસ્ટમાં એક પછી એક યુરોપ, આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકા એમ છ ખંડો ટિક થઈ ગયા હતા. આ લિસ્ટમાં છેલ્લે બાકી હતો પૃથ્વીનો સૌથી દુર્ગમ ખંડ. એટલે તાજેતરમાં તેમના ઉત્સાહનું જહાજ ઍન્ટાર્કટિકામાં લાંગરાયું હતું. એટલું જ નહીં, ઍન્ટાર્કટિકાની હાડ ગાળતી ઠંડીમાં પગ મૂકનારો વાઇલ્ડર સૌથી નાની ઉંમરના પ્રવાસીઓમાંનો એક બન્યો હતો.

મજાની વાત એ પણ છે કે આ પહેલાં જૉર્ડી એક વાર ઍન્ટાર્કટિકા આવી ચૂકી હતી અને એ પણ પ્રેગ્નન્સી દરમ્યાન વાઇલ્ડરને તેના પેટમાં લઈને. આ કપલ માને છે કે ટ્રાવેલિંગ એટલે માત્ર જગ્યાઓની મુલાકાત લઈને ચેકલિસ્ટ ટિક કરતા રહેવું એટલું જ નથી. દરેક જગ્યાની સંસ્કૃતિનો પોતીકો અનુભવ લેવાની અને શાનદાર સ્મરણો બનાવવાની જ ખરી મજા છે.

offbeat news international news world news united states of america travel news