25 April, 2025 11:59 AM IST | britain | Gujarati Mid-day Correspondent
સૈફરન બોસવેલ
બ્રિટનમાં રહેતી સૈફરન બોસવેલ નામની ૨૬ વર્ષની યુવતીએ ઘરે કદી ખાવાનું બનાવ્યું જ નથી. તેને ખાવાનું બનાવવાનો એટલો કંટાળો આવે છે કે તે દિવસના ત્રણેય મીલ બહાર જ કરે છે. બ્રેકફાસ્ટ અને ડિનર મોટા ભાગે તે ઘરે જ મગાવી લે છે અને લંચ માટે બહાર રેસ્ટોરાંમાં જાય છે. ૧૬ વર્ષની ઉંમરે તેણે પેરન્ટ્સથી અલગ રહેવાનું શરૂ કરેલું. બસ, ત્યારથી તેણે ઘરમાં કિચન તૈયાર કરાવ્યું જ નહીં. પહેલાં તેને ઘરે ખાવાનું બનાવવાનો કંટાળો આવતો હતો, પણ હવે તેને ઘરે બનાવેલું ખાવાનું ભાવતું જ નથી. તે ૩૬૫ દિવસ રેસ્ટોરાંનું ખાઈને પણ ક્યારેય એનાથી ઊબતી નથી. આ શોખ તેને મોંઘો પડે છે, પણ તેની આર્થિક સ્થિતિ સારી છે એટલે વાંધો નથી આવતો. મહિને ૫૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૫૬,૦૦૦ રૂપિયા તે માત્ર ખાવામાં ખર્ચે છે.
નિખાલસ કબૂલાત કરતાં તે કહે છે કે મને ખાવાનું બનાવતાં આવડતું નથી એટલે હું જેટલો બગાડ કરું છું અને એટલું ખરાબ બનાવું છું એ જોતાં રેસ્ટોરાંનું ફૂડ મને સસ્તું પડે છે. તેના ફૂડ-પાર્સલમાં સૅન્ડવિચ, પીત્ઝા, બર્ગર અને સૅલડ હોય છે. રોજના ૬૮૦૦ રૂપિયાનો ખર્ચ માત્ર ખાવામાં જ થઈ જતો હોવા છતાં બહેનને રાંધતાં શીખવાની કોઈ ઇચ્છા નથી.