આ મહિલાઓએ ઘરમાં ઘોડો પાળ્યો છે

24 September, 2021 01:47 PM IST  |  Mumbai | Agency

૧૭ વર્ષના જૅક નામના આ ઘોડાને જો બિસ્કિટ કે કેક આપવામાં આવે તો એ કોઈ પણ આદેશનું પાલન કરવા તૈયાર થઈ જાય. હા, એ થોડો તોફાની પણ છે.

આ મહિલાઓએ ઘરમાં ઘોડો પાળ્યો છે

અમેરિકા અને બ્રિટનમાં પાળેલા ડૉગી કે કૅટ તો લગભગ દરેક ઘરમાં હશે, પણ પાળેલા ઘોડા હોય એવા પણ કેટલાક કિસ્સા છે. એલી સ્ટર્ન નામની ૩૮ વર્ષની મહિલા વર્જિનિયાના નૉર્ફોકમાં ખેડૂત-પતિ રૂપર્ટ અને બાળકો સાથે રહે છે. એલીના ઘરમાં ડૉગી તો છે જ, તેણે એક ઘોડો પણ રાખ્યો છે. પરિવારજનોના નાસ્તા કે જમવાનો ટાઇમ થાય ત્યારે આ ઘોડો ડાઇનિંગ ટેબલ પાસે અચૂક આવી જાય અને એને પણ કંઈક ખાવાનું આપવું પડે. ૧૭ વર્ષના જૅક નામના આ ઘોડાને જો બિસ્કિટ કે કેક આપવામાં આવે તો એ કોઈ પણ આદેશનું પાલન કરવા તૈયાર થઈ જાય. હા, એ થોડો તોફાની પણ છે.
ઇંગ્લૅન્ડની યૉર્કશર કાઉન્ટીમાં પાર્ટનર ઍન્ડી સાથે રહેતી કૅરોલિન વિલ્ડે જે ઘોડો પાળ્યો છે એનું નામ મિની મો છે. એ માદા છે અને ઘણી સાંકેતિક ભાષામાં કૅરોલિનનું કહ્યું માને છે. કૅરોલિને એને ૮ વર્ષ પહેલાં એક રેસ હૉર્સ ટ્રેઇનર પાસેથી ખરીદી હતી. જોકે કૅરોલિન એને પોતાના બે શો-જમ્પિંગ હૉર્સની જોડીદાર તરીકે ખરીદી લાવી હતી. એને ઘાસ ખાવા કરતાં ગાજર અને ફ્રૂટ્સ વધુ ભાવે છે. એને જો સમયસર ખાવાનું ન મળે તો તોફાને ચડે અને ડસ્ટબિનને મોઢાથી પકડી ઊંધું વાળે અને કચરો ઘરમાં ફેલાવી દે. કૅરોલિનનાં મમ્મી જ્યારે કૅન્સરની બીમારીથી પીડાતાં હતાં અને ક્યારેક ખુલ્લી હવામાં ફરવા ઘરમાંથી બહાર જતાં અને પછી પાછાં આવતાં ત્યારે આ ઘોડી તેમને લેવા અચૂક તેમની પાસે દોડી જતી હતી. બે વર્ષ પહેલાં તેઓ ગુજરી ગયાં ત્યારે આ ઘોડી ગમગીનીમાં ટેબલની નીચે ઘણી વાર સુધી બેઠી રહી હતી. આ ઘરમાં બે ડૉગી પણ છે જેમને ઘોડી દિઠ્ઠી નથી ગમતી અને દિવસમાં વારંવાર એની સામે ભસ્યા કરતા હોય છે.

offbeat news international news world news