ડેડબૉડીમાંથી કાઢેલી ચરબીનાં ઇન્જેક્શન લઈ રહી છે અમેરિકન મહિલાઓ

06 February, 2026 12:58 PM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં સુંદર દેખાવા માટે અને ચોક્કસ અંગોને ભરાવદાર બનાવવા માટે મરેલા માણસોના શરીરની ચરબી વાપરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કૉસ્મેટિક સર્જરીની દુનિયામાં એક વિવાદાસ્પદ ટ્રેન્ડ સામે આવ્યો છે. એમાં લોકો મરી ગયેલા લોકોના શરીરમાંથી કાઢેલા ચરબીના કોષોને પ્રોસેસ કરીને પોતાના શરીરમાં ચોક્કસ જગ્યાઓએ ઇન્જેક્ટ કરાવે છે. સુંદર અને પાતળા દેખાવા માટે લોકો શરીરમાંથી વધારાના ફૅટ કોષો રિમૂવ કરાવતા હોય છે, પરંતુ અમેરિકામાં સુંદર દેખાવા માટે અને ચોક્કસ અંગોને ભરાવદાર બનાવવા માટે મરેલા માણસોના શરીરની ચરબી વાપરવામાં આવે છે. આ ટ્રેન્ડથી અનેક લોકો અચરજમાં છે, પરંતુ કેટલીયે મહિલાઓ નિતંબ અને વક્ષ:સ્થળનો ઉભાર વધારીને કર્વી ફિગર દેખાય એ માટે આ જોખમી અને વિવાદાસ્પદ કૉસ્મેટિક પ્રોસીજર પાછળ પાગલ થઈ છે. આ પ્રક્રિયા ઍલોક્લેઇ નામથી જાણીતી છે અને ટાઇગર ઍસ્થેટિક્સ નામની કંપની એનું પ્રમોશન કરે છે.

તાજેતરમાં ૩૪ વર્ષની એક મહિલાએ ઇન્ટરવ્યુમાં પોતે આ થેરપી યુઝ કરી હોવાનો દાવો કર્યો છે. પહેલાં ચરબી ઘટાડવાની સર્જરીમાં થયેલી ભૂલને સુધારવા માટે આ મહિલાએ નવી થેરપી વાપરી હતી જેનો ખર્ચ લગભગ ૪૦ લાખ રૂપિયા થયો હતો. મહિલાનું કહેવું છે કે આ માટે વપરાતી ચરબી પણ એથિકલી લેવાયેલી હોવી જરૂરી છે. જે લોકોનું બૉડી મેડિકલ રિસર્ચ માટે દાન કરવામાં આવ્યું છે એમના શરીરમાંથી અંગદાન અને ટિશ્યુદાન કરવા ઉપરાંત ચરબી પણ કાઢવામાં આવે છે. અલબત્ત, શબમાંથી કાઢેલી ચરબી સીધેસીધી ઇન્જેક્ટ કરવામાં નથી આવતી. પહેલાં એને સ્ટરિલાઇઝ કરીને સાફ કરવામાં આવે છે જેને કારણે એમાં રહેલા જીવિત ટિશ્યુ હટી જાય છે. એને કારણે શરીરમાં કોઈ ઇમ્યુન રીઍક્શન નથી આવતું. આ ચરબી બ્રેસ્ટ અને બટ્સ (નિતંબ)ના ઉભાર માટે ભરવામાં આવે છે. 

offbeat news united states of america washington healthy living