13 August, 2025 09:55 AM IST | Florida | Gujarati Mid-day Correspondent
ટેમારા પરિવાર
અમેરિકાના ફ્લૉરિડામાં રહેતો ટેમારા પરિવાર આજકાલ સોશ્યલ મીડિયા પર સૌથી લાંબા પરિવાર તરીકે છવાઈ ગયો છે. આ પરિવારમાં પાંચ સભ્યો છે અને એમાં સૌથી ઓછી હાઇટ છે મારી નામની છોકરીની. અલબત્ત, એ ઓછી હાઇટ પણ છે પૂરા ૬ ફુટ અને ૩ ઇંચની. પરિવારના અન્ય સભ્યોની હાઇટ એનાથી વધુ છે અને સૌથી વધુ હાઇટેડ વ્યક્તિ છે ૬ ફુટ ૧૦ ઇંચની. તેના બે ભાઈઓ ૬ ફુટ ૧૦ ઇંચ તેમ જ ૬ ફુટ ૯ ઇંચના છે અને બન્ને બાસ્કેટબૉલના ખેલાડી રહી ચૂક્યા છે. સામાન્ય લોકો કરતાં થોડી વધુ હાઇટ ધરાવતા આ પરિવારે પોતાની ઊંચાઈને જ કમાવાનો રસ્તો બનાવી લીધો છે. મારીબહેન હાઇટ સાથે સંકળાયેલી રીલ્સ બનાવીને પોસ્ટ કરે છે અને તેના બે ભાઈઓ બાસ્કેટબૉલ રમતા હોય ત્યારે તેના સાથીદારો કેવા ઠિંગુજી જેવા લાગે છે એના વિડિયો પોસ્ટ કરે છે. સંતાનોની આ નૌટંકીમાં તેમનાં ૬૩ વર્ષનાં મમ્મી ક્રિસ્ટિન પણ જોડાઈ ગયાં છે. તેમની હાઇટ પણ ૬ ફુટ પાંચ ઇંચની છે. પિતા ઇલેક્ટ્રિશ્યનનું કામ કરતા હતા, પરંતુ તેમને પણ પરિવાર દ્વારા ચાલતો સોશ્યલ મીડિયાનો બિઝનેસ માફક આવી ગયો છે. દરેકનાં પોતાનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે જેને કન્ટેન્ટ ક્રીએશન માટે વર્ષે પચાસ હજારથી એક લાખ ડૉલર જેટલી રકમ મળે છે. સૌથી વધુ કમાણી કરે છે સૌથી ઓછી હાઇટવાળી મારીબહેનનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ. તેની રીલ્સ બહુ રસપ્રદ હોય છે. વધુ ઊંચાઈ ધરાવતા લોકોને રોજિંદા જીવનમાં કેવી-કેવી મુશ્કેલીઓ પડે, લોકો તરફથી કેવાં રીઍક્શન્સ મળે, કેવી અવનવી પ્રોડક્ટ્સ પોતાના માટે ટેલરમેડ બનાવવી પડે જેવા વિષયો પર તે રીલ્સ બનાવે છે. આ રીલમાં આખો પરિવાર જોડાયો છે. પૂરતી હાઇટ હોવા છતાં આખો પરિવાર હાઈ-હીલ્સ પહેરીને ફરે છે ત્યારે કેવાં દૃશ્યો સર્જાય છે એ પણ જોવાની મજા પડે છે. આખો પરિવાર બીજો કોઈ બિઝનેસ નથી કરતો, માત્ર સોશ્યલ મીડિયા કન્ટેન્ટ બનાવીને તેઓ વર્ષે ૮૪ કરોડ રૂપિયા કમાય છે.