30 April, 2022 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વ્હિસ્કીની સૌથી મોટી બૉટલની ૧૪.૫૧ કરોડમાં લિલામી થઈ શકે
વિશ્વની સૌથી મોટી વિક્રમી ૩૧૧ લિટર જેટલો ૩૨ વર્ષ જૂનો મૅકલન સ્કૉચ ભરેલી સ્કૉચ વ્હિસ્કીની બૉટલ જે સામાન્ય માનવીના કદ કરતાં પણ મોટી છે એની લિલામી થઈ રહી છે. આવતા મહિને એડિનબર્ગ સ્થિત લિયોન ઍન્ડ ટર્નબુલ ખાતે વેચાણ માટે જનારી ૪૪૪ સ્ટાન્ડર્ડ કદની બૉટલના સમકક્ષ પીણું ધરાવતી ઇન્ટ્રીપીડની બૉટલ ૧૫ લાખ પાઉન્ડ (લગભગ ૧૪.૫૧ કરોડ રૂપિયા)માં વેચાઈને અત્યાર સુધીની સૌથી મોંઘા ભાવે વેચાયેલી વ્હિસ્કીમાં સ્થાન પામે એવી આશા છે.
ઇન્ટ્રીપીડની લિલામીની કાર્યવાહી હાથ ધરનારા લિયોન ઍન્ડ ટર્નબુલના કૉલિન ફ્રેઝરે જણાવ્યું હતું કે આ લિલામીમાં લોકો વૈશ્વિક સ્તરે રસ લેશે એની મને ખાતરી છે. ઊંચી બોલી લગાવનારા બિડર્સ સ્કૉચ વ્હિસ્કીની ખરીદીનો એક હિસ્સો બનશે તથા વિશ્વની શ્રેષ્ઠ ડિસ્ટિલરીમાં સ્થાન પામતા ૩૨ વર્ષ જૂના સિંગલ માલ્ટ સ્કૉચના મૅકલનના માલિક બનશે.
ગયા વર્ષે બૉટલમાં વ્હિસ્કી ભરવામાં આવ્યો ત્યારે જ ઇન્ટ્રીપીડની બૉટલને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મળ્યું હતું. લિલામીકર્તાઓએ જણાવ્યા અનુસાર ૧૩ લાખ પાઉન્ડ (લગભગ ૧૨.૪૮ કરોડ રૂપિયા)થી વધુ જે પણ રકમ મળશે એની ૨૫ ટકા રકમ મૅરી ક્યુરી ચૅરિટીને દાન આપવામાં આવશે.
૩૨ વર્ષ સુધી મૅકલેનના સ્પાયસાઇડ વેરહાઉસમાં બે પીપડામાં પરિપક્વ થયા પછી, આ વિશિષ્ટ પ્રવાહીને ગયા વર્ષે અગ્રણી સ્વતંત્ર વ્હિસ્કી બૉટલિંગ કંપનીઓમાંની એક ડંકન ટેલર સ્કૉચ વ્હિસ્કી દ્વારા બૉટલમાં રેડવામાં આવ્યું હતું. રેકૉર્ડ-બ્રેકિંગ બૉટલ ભરવા માટે ઉપયોગમાં લેવાયેલા પીપડામાંથી બચેલી બાકીની ૩૨ વર્ષ જૂની મૅકલન વ્હિસ્કીની બૉટલોના થોડા સેટ્સ પણ બનાવવામાં આવ્યા હતાં, જેમાં પ્રત્યેકમાં ૧૨ બૉટલનો સંગ્રહ હતો. દરેક સેટમાં પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દરેક સંશોધકોને સમર્પિત વ્યક્તિગત સંસ્કરણો સાથે મુખ્ય બૉટલની ડિઝાઇનની પ્રતિકૃતિનો સમાવેશ છે.