ઠંડીને કારણે ઇગ્વાના બેહોશ થઈને અહીંતહીં પડી રહી છે

06 February, 2026 01:22 PM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

કેટલીક ઇગ્વાના બેભાન થઈ ગઈ હોય છે જેમને ફ્લૉરિડા ફિશ ઍન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનને સોંપી દેવામાં આવે છે.

મોટી ગરોળીઓની તબિયત બગડવા લાગી

અમેરિકાનાં દક્ષિણનાં રાજ્યોમાં રેકૉર્ડબ્રેક ઠંડી અને બર્ફીલા તોફાનને કારણે ભારે તબાહી મચી છે. ફ્લૉરિડામાં ટેમ્પરેચર માઇનસની નીચે જતું રહ્યું હોવાથી ઇગ્વાના એટલે કે એક પ્રકારની મોટી ગરોળીઓની તબિયત બગડવા લાગી છે. સામાન્ય રીતે અમેરિકાના અન્ય વિસ્તારો કરતાં ગરમ ગણાતા ફ્લૉરિડામાં ઠંડીને કારણે વૃક્ષો પર રહેતી ઇગ્વાના ઠંડીથી સુન્ન થઈને નીચે જમીન પર પડી જઈ રહી છે. રોડ પર જાણે ઇગ્વાનાનો વરસાદ થયો હોય એ હદે આ મોટી ગરોળીઓ જ્યાં-ત્યાં બેભાન થઈને પડેલી જોવા મળે છે. સ્થાનિક ટીવી-ચૅનલોએ આ કન્ડિશનને ઇગ્વાનાનો વરસાદ ગણાવ્યો છે. ફ્લૉરિડામાં ૧૦૦ વર્ષ પછી આટલી કાતિલ ઠંડી પડી છે. અહીં સામાન્ય રીતે દસથી ૧૨ ડિગ્રી તાપમાન રહેતું હોય છે ત્યાં હવે માઇનસ ડિગ્રી થઈ જવાથી ઠંડું લોહી ધરાવતી ઇગ્વાના બેહોશ થઈ રહી છે. તમામ ઇગ્વાના મરી જ જાય છે એવું નથી. કેટલીક ઇગ્વાના બેભાન થઈ ગઈ હોય છે જેમને ફ્લૉરિડા ફિશ ઍન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનને સોંપી દેવામાં આવે છે.

offbeat news florida international news world news united states of america