ચાઇનીઝ કંપનીએ ટેબલ પર પાથર્યા ૭૦ કરોડ રૂપિયા, સ્ટાફને કહ્યું ૧૫ મિનિટમાં ગણી શકો એટલા ઉપાડી લો

31 January, 2025 10:28 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

સ્ટાફ દોડીને ટેબલ તરફ જાય છે અને બને એટલી ઝડપથી પૈસા ગણી રહ્યો છે

પૈસા ઉપાડતો સ્ટાફ

હેનાન માઇનિંગ ક્રેન નામની ચાઇનીઝ કંપનીએ એકદમ અસાધારણ રીતે પોતાના સ્ટાફને વાર્ષિક બોનસ આપ્યું હતું. ૬૦-૭૦ મીટર લાંબા લાલ જાજમ પાથરેલા ટેબલ પર બોનસરૂપે ૭૦ કરોડ રૂપિયા પાથરી દીધા અને સ્ટાફને ૩૦-૩૦ જણની ટીમ બનાવવાનું કહીને દરેક ટીમમાંથી બે જણને કૅશ ગણવા માટે પસંદ કરવાનું કહ્યું. આ બે જણને ૧૫ મિનિટમાં જેટલા ગણી શકે એટલા લઈ લેવાની છૂટ આપવામાં આવી, જે તેમણે પોતાની ટીમના મેમ્બરોમાં વહેંચી લેવાના હતા.

આ અનોખી ઇવેન્ટ હતી જેમાં સ્ટાફ દોડીને ટેબલ તરફ જાય છે અને બને એટલી ઝડપથી પૈસા ગણી રહ્યો છે એનો વિડિયો દુનિયાભરમાં વાઇરલ થઈ રહ્યો છે. એક એમ્પ્લૉઈએ ૧,૦૦,૦૦૦ યુઆન (૧૧.૫ લાખ રૂપિયા) ૧૫ મિનિટમાં ગણ્યા હતા. બીજા બધા પણ બને એટલું વધારે બોનસ મેળવવા ઝડપથી પૈસા ગણતા અને થપ્પી બનાવતા દેખાતા હતા. 

offbeat news china international news world news