થાઇલૅન્ડની રેસ્ટોરાંમાં પીરસાય છે કીટક બર્ગર

15 September, 2022 10:26 AM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

આ જીવડા (કીટક)માં ઘણું પ્રોટીન હોવાનું માનવામાં આવે છે, જેને થાઇલૅન્ડના ખેતરમાંથી જ સીધાં લાવવામાં આવે છે.

કીટક બર્ગર

થાઇલૅન્ડના બૅન્ગકૉકની એક રેસ્ટોરાંમાં એક અનોખું બર્ગર સર્વ કરવામાં આવે છે, જેમાં ક્રિકેટ નામના જીવડા પીરસવામાં આવે છે. આ જીવડા (કીટક)માં ઘણું પ્રોટીન હોવાનું માનવામાં આવે છે, જેને થાઇલૅન્ડના ખેતરમાંથી જ સીધાં લાવવામાં આવે છે. માંસના વિકલ્પ તરીકે ખાઈ શકાય એવાં આ જીવડાંનું બજાર આગામી વર્ષોમાં મોટા પ્રમાણમાં વધે એવી શકયતા છે. થાઇલૅન્ડની બાઉન્સ બર્ગર રેસ્ટોરાં દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ક્રિકેટ બીફ બર્ગરમાં સૉસ, પાવર બાર અને કુકીઝ પણ ઉમેરવામાં આવે છે. સ્ટ્રીટ વેન્ડર્સ ક્રિકેટ નામના કીટકને માત્ર સૉસમાં નાખીને આપે છે, પરંતુ ઘણી વખત આ કીટકની પાંખ કે પગના કડક ભાગ ગળામાં ફસાઈ જાય છે એટલે એ સમસ્યાને દૂર કરવા કીટક બર્ગરમાં આવા ભાગને દૂર કરીને માત્ર માંસલ શરીર જ નાખવામાં આવે છે. બીફ અને ડુક્કરનું માંસ ખાઈએ ત્યારે એમાં હાડકાં નથી હોતાં એ જ વાત અહીં લાગુ પડે છે. વળી ક્રિકેટને ઉછેરવામાં આવે ત્યારે પર્યાવરણ પર ગાય અને ડુક્કરના ઉછેર કરતાં ઓછી હાનિ થાય છે. વિશ્વના અન્ય દેશોમાં કિટકના ઉછેર વિશે હવે જાગૃતિ આવી છે, પરંતુ થાઇલૅન્ડમાં વર્ષોથી આ પ્રકારે એની ખેતી થાય છે. બૅન્ગકૉકથી થોડે દૂર આવેલું એક ખેતર દર મહિને ૧૬૦ કિલો જેટલાં કીટક રેસ્ટોરાંને મોકલે છે. ઘણા ગ્રાહકોએ કીટક બર્ગરને પસંદ કર્યું છે. ઘણાને ચટણીને લીધે ક્રિકેટની ગંધ આવતી નથી, તો કેટલાકને તો ખબર પણ નથી પડતી કે તેઓ કીટક બર્ગર ખાઈ રહ્યા છે. 

offbeat news thailand bangkok