11 April, 2025 12:35 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
મણિકંદન નામનો યુવક
તામિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં ૨૯ વર્ષના યુવકનું જીવતી માછલી ગળામાં ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું. મંગળવારે થયેલી આ ઘટનામાં અરયાપક્કમ ગામનો મજૂરીનું કામ કરતો મણિકંદન નામનો યુવક માછલી પકડવા ગયો હતો. તે હાથથી માછલી પકડવામાં માહેર હતો. તળાવમાં ઊતરીને તેણે એક માછલી પકડી હતી. પાણીનું સ્તર બહુ ઓછું હોવાથી તેને બીજી માછલીઓ પણ દેખાઈ. તેણે બીજી માછલી પકડવા પહેલીને મોં વચ્ચે દબાવી દીધી. માછલીનું મોં તેના મોંમાં હતું એટલે બચવા માટે છટપટતી માછલી અચાનક જ સરકીને તેના ગળામાં ફસાઈ ગઈ. ગળામાં તે એટલે ઊંડે ઊતરી ગઈ કે તેનો અવાજ અને શ્વાસ બન્ને બંધ થઈ ગયા. આસપાસના લોકોએ તેને બચાવવાનો અને માછલી મોંમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો; પણ ફસાયેલી માછલી ન અંદર ગઈ, ન બહાર નીકળી. લાકો તેને હૉસ્પિટલ લઈ ગયા જ્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યો.