તાલિબાનોએ મહિલાઓનાં પૂતળાંના ચહેરાને પણ ઢાંકી દીધા

24 January, 2023 11:09 AM IST  |  Kabul | Gujarati Mid-day Correspondent

મહિલાઓ પર તેમના શિક્ષણના અધિકારોને ખલેલ પહોંચાડવાથી માંડીને પુરુષ ચૅપેરોન વિના તેમની હિલચાલને પ્રતિબંધિત કરવા સુધીના કાયદા દ્વારા તાલિબાનોએ મહિલાઓની સ્વતંત્રતાને વધુ કે ઓછા પ્રમાણમાં બાંધી છે.    

તાલિબાનોએ મહિલાઓનાં પૂતળાંના ચહેરાને પણ ઢાંકી દીધા

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારે કપડાની દુકાનના માલિકોને પ્રદર્શન માટે મૂકેલા મૅનિકિનના (પૂતળાંઓના) ચહેરા ઢાંકવાનો આદેશ આપ્યો છે. અફઘાન માનવતાવાદી સારા વાહેદીએ તાલિબાની સરકારના નવા આદેશને સોશ્યલ મીડિયા પર મૂકવા સાથે પૉલિથિનની બૅગ કે ઍલ્યુમિનિયમ ફૉઇલ વડે કવર કરેલા મૅનિકિનના ફોટો મૂક્યા છે, જેને જોઈને આઘાત પામેલા નેટિઝન્સે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

ઑગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ અહીં ઘણા આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળ્યા છે. નવી સરકારે આંતરરાષ્ટ્રીય માનવાધિકારનાં ધોરણોને આધારે ઘણા કડક અને અમાનવીય કાયદા લાગુ કર્યા છે, જેમાં મહિલાઓ પર તેમના શિક્ષણના અધિકારોને ખલેલ પહોંચાડવાથી માંડીને પુરુષ ચૅપેરોન વિના તેમની હિલચાલને પ્રતિબંધિત કરવા સુધીના કાયદા દ્વારા તાલિબાનોએ મહિલાઓની સ્વતંત્રતાને વધુ કે ઓછા પ્રમાણમાં બાંધી છે.    

આ પણ વાંચો : જોડિયા ભાઈઓએ પૂરો કર્યો ૩૦૦૦ માઇલનો દરિયાઈ પ્રવાસ

મહિલાઓ પ્રત્યે તાલિબાનનો દ્વેષ કેટલો વધી ગયો છે એ જણાવતાં સારા વાહેદીએ કહ્યું છે કે ‘જો દુનિયા અફઘાની મહિલાઓના પડખે ઊભી નહીં થાય તો તેમને માટે જીવન કેટલું દુષ્કર બનશે એ વિચારણીય છે.’

જોકે આ અગાઉના આદેશમાં તાલિબાનોએ મૅનિકિનના ધડ પરથી માથું દૂર કરવાના કે પછી તેમને ડિસ્પ્લેમાં ન મૂકવા જેવા આદેશ જારી કર્યા હતા. જોકે નવો આદેશ જારી કરાતાં રાહત પામેલા દુકાનદારોએ મૅનિકિનના ચહેરાને પૉલિથિનની બૅગ કે ઍલ્યુમિનિયમ ફૉઇલથી ઢાંકવામાં રાહત અનુભવી છે. 

offbeat news viral videos afghanistan kabul taliban