23 June, 2025 06:53 AM IST | Taiwan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાઇવાનની એક બૅન્કમાં કામ કરતા ક્લર્કને રજાઓ નહોતી મળી રહી એટલે તેણે પગાર સાથેની રજા લેવા માટે અનોખો જુગાડ કર્યો હતો. તેણે ૩૨ દિવસની છુટ્ટી લેવા માટે અનોખો જુગાડ કર્યો. તાઇવાનના નિયમ મુજબ કર્મચારીનાં લગ્ન થાય ત્યારે તેને બાકાયદા આઠ દિવસની પેઇડ લીવ મળે છે. ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં એક યુવાને આ કાનૂનનો લાભ લઈને ૩૭ દિવસના ગાળામાં ૩૨ દિવસ પગાર સાથેની લીવ ભોગવી હતી. કઈ રીતે આવું થઈ શકે એ માટે આપણે વિચારતા રહીશું, પણ ભાઈએ મસ્ત જુગાડ કરેલો. પહેલી વાર લગ્ન કરવા માટે તેણે આઠ દિવસની લીવ લીધી. આઠ દિવસ પૂરા થયા એટલે નવમા દિવસે તેણે પત્નીથી છૂટાછેડા લઈ લીધા અને દસમા દિવસે ફરીથી એ જ એક્સ-પત્ની સાથે લગ્ન કરી લીધાં. બીજાં લગ્ન માટે આઠ દિવસની પગાર સાથેની રજાઓ ભોગવ્યા પછી ફરીથી નવમા દિવસે તેણે છૂટાછેડા લઈ લીધા અને અગેઇન પછીના દિવસે લગ્ન કરી લીધાં. આમ એકની એક પત્ની સાથે ૩૭ દિવસના ગાળામાં ચાર વાર લગ્ન કરીને અને ત્રણ વાર છૂટાછેડા લઈને ભાઈએ કુલ ૩૨ દિવસની પેઇડ લીવ ભોગવી. જોકે જ્યારે ભાઈ બૅન્કમાં પાછા જોડાયા ત્યારે બૅન્કને તેની ચાલાકીની ખબર પડતાં બીજાં, ત્રીજાં અને ચોથાં લગ્ન માટે લીધેલી ૨૪ દિવસની રજાનો પગાર કાપી લીધો. પોતે ખોટું કર્યું છે એવું પકડાઈ જવા છતાં ક્લર્કે કોર્ટમાં કેસ કર્યો કે બૅન્કે લેબર લીવ લૉનું ઉલ્લંઘન કર્યું છે. બૅન્કે દલીલ કરી કે આ કાયદાનો ક્લર્કે ગેરફાયદો ઉઠાવ્યો છે. એમ છતાં પાંચ મહિનાની લડત પછી કોર્ટે બૅન્કને કહ્યું કે તેમણે લેબર લીવ લૉનું ઉલ્લંઘન કર્યું હોવાથી કર્મચારીને પગાર આપવો પડશે અને ઉપરથી પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. જોકે આ મામલે બૅન્ક પણ કંઈ ચૂપ બેસે એમ નહોતી. બૅન્કે ઉપલી કોર્ટમાં અપીલ કરી કે કર્મચારીએ લગ્નમાં મળતી રજાઓનો ગેરફાયદો ઉઠાવ્યો છે. અમે માત્ર કાયદાનો મિસયુઝ થયો એને જ પડકાર્યો છે. આ વખતે કોર્ટે સ્વીકાર્યું કે હા, ક્લર્કની રીત ખોટી હતી, પરંતુ તેણે કાયદો તોડ્યો નથી એટલે તેને પગાર તો મળવો જ જોઈએ.