04 February, 2025 01:15 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
અંતિમ સંસ્કાર
પિતાની મિલકતના બે ભાગ પાડવા માટે ઝઘડતા ભાઈઓ ઘણા હોય છે, પણ અહીં બે ભાઈઓ અંતિમ સંસ્કાર કોણ કરે એ બાબતે થયેલા વિવાદમાં મૃત્યુ પામેલા પિતાની લાશના બે ટુકડા કરવા તૈયાર થઈ ગયા હતા.
મધ્ય પ્રદેશના તિકમગઢના લીધૌરા ગામમાં ૮૫ વર્ષના ધ્યાનીસિંહ ઘોષ લાંબી માંદગી બાદ મૃત્યુ પામ્યા હતા. તેઓ નાના દીકરા દામોદર સાથે રહેતા હતા અને તેમના અંતિમ સંસ્કારની તૈયારી થવા માંડી ત્યારે સાથે ન રહેતા અને માંદગીમાં ખબર પણ ન પૂછવા આવેલા મોટા દીકરા કિશનસિંહે આવીને ઝઘડો કર્યો કે હું મોટો પુત્ર છું એટલે હું અંતિમ સંસ્કારની વિધિ કરીશ. એ સાંભળીને નાના ભાઈએ વાંધો ઉઠાવ્યો કે પિતા મારી સાથે રહેતા હતા, મેં તેમની સેવા કરી છે એટલે હું જ પિતાના અંતિમ સંસ્કાર કરીશ. આ બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો અને વાત એટલી વધી ગઈ કે મોટા દીકરાએ પિતાના મૃતદેહના બે ટુકડા કરી અડધા-અડધા ભાગના અંતિમ સંસ્કાર કરવાની વાત કરી. બે ભાઈઓના ઝઘડામાં પિતાનો મૃતદેહ ૬ કલાક ઘરની બહાર પડી રહ્યો હતો. લોકોએ સમજાવ્યા છતાં ઝઘડો પૂરો ન થતાં આખરે પોલીસ બોલાવવી પડી અને પોલીસે બધાની વાત સાંભળીને નાના દીકરાએ સેવા કરી હતી એટલે તેને અંતિમ સંસ્કાર કરવાનું જણાવ્યું અને એ પછી ધ્યાનીસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.