આ ચોરે ગર્લફ્રેન્ડને બાવીસ લાખ રૂપિયાનું ઍક્વેરિયમ ગિફ્ટમાં આપ્યું

06 February, 2025 03:53 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ ચોરે ગર્લફ્રેન્ડ માટે બનાવડાવ્યું ૩ કરોડ રૂપિયાનું ઘર, બાવીસ લાખ રૂપિયાનું ઍક્વેરિયમ ગિફ્ટમાં આપ્યું

પંચાક્ષરી સ્વામી

બૅન્ગલોર પોલીસે હમણાં એક ચોરની ધરપકડ કરી એમાં ઘણી ચોંકાવનારી હકીકતો બહાર  આવી છે. મહારાષ્ટ્રના સોલાપુરના ૩૭ વર્ષના પંચાક્ષરી સ્વામીએ સગીર વયથી ચોરી કરવાની શરૂઆત કરી હતી. પ્રોફેશનલ ચોર બની દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં ૧૫૦થી ૨૦૦ ઘરોમાં ચોરી કરીને કરોડો રૂપિયાની મિલકત ભેગી કરી છે. આ ચોર પરિણીત છે અને એક દીકરાનો પિતા છે. તેને જોકે અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ હતા. ૨૦૧૪માં એક ફિલ્મ-ઍક્ટ્રેસ સાથે તેને પ્રેમ થયો હતો અને તેની પાછળ તેણે કરોડો રૂપિયા વાપર્યા હતા. ગર્લફ્રેન્ડ માટે તેણે કલકત્તામાં ત્રણ કરોડ રૂપિયાનું ઘર બનાવડાવ્યું છે અને બાવીસ લાખ રૂપિયાનું ઍક્વેરિયમ પણ તેને ગિફ્ટ આપ્યું છે. ૨૦૧૬માં આ ચોરને ગુજરાત પોલીસે પકડ્યો હતો અને છ વર્ષની સજા થઈ હતી, પણ જેલમાંથી છૂટીને તેણે ફરી ચોરી કરવાનું ચાલુ કરી દીધું હતું. ત્યાર બાદ મહારાષ્ટ્ર પોલીસે તેની ધરપકડ કરી હતી. ૨૦૨૪માં છૂટીને તે બૅન્ગલોર જતો રહ્યો હતો અને ત્યાં ઘરફોડી અને ચોરી ચાલુ રાખી હતી. જાન્યુઆરીમાં બૅન્ગલોરમાં એક સાથી સાથે ચોરી કરી એ બદલ ત્યાંની પોલીસે તેની ધરપકડ કરી હતી અને બધી હકીકતો બહાર આવી હતી. તેની પાસેથી લોખંડનો સળિયો અને ફાયરગન જપ્ત કરવામાં આવ્યાં છે. એનાથી તે ચોરીના દાગીનાને પિગાળીને બિ​સ્કિટ બનાવી નાખતો હતો. રેલવેમાં કામ કરતી તેની મમ્મીના નામના સોલાપુરના ઘરમાંથી પોલીસે ૧૮૧ ગ્રામ સોનું, ૩૩૩ ગ્રામ ચાંદી અને ગન જપ્ત કર્યાં હતાં. સ્વામી કરાટેમાં બ્લૅક બેલ્ટ ધરાવે છે અને મોટે ભાગે એકલો જ ચોરી કરતો હતો. બંધ ઘરોને ધ્યાનમાં રાખીને તે ચોરી કરતો હતો અને ચોરી કર્યા બાદ પોતાના પર શંકા ન જાય એ માટે રસ્તા પર જ તે કપડાં બદલી નાખતો હતો.

bengaluru offbeat news national news Crime News kolkata maharashtra solapur