દસ ‌દીકરાઓ પછી આખરે દીકરી અવતરી આ યુગલના ઘરે

09 September, 2019 11:27 AM IST  |  સ્કોટલેન્ડ

દસ ‌દીકરાઓ પછી આખરે દીકરી અવતરી આ યુગલના ઘરે

લોકો ઘરમાં દીકરાનું અવતરણ થાય એ માટે એક પછી એક દીકરીઓ પેદા કરતા જાય એવું તો ભારતમાં ઠેર-ઠેર જોવા મળે છે, જોકે સ્કૉટલૅન્ડના ડિન્ગવૉલ ટાઉનમાં રહેતા ઍલેક્સીઝ અને ડેવિડ બ્રેટના ઘરમાં નજારો સાવ જ ઊંધો છે. તેમના ઘરમાં દસ દીકરાઓ પછી એક દીકરી જન્મી છે. અલબત્ત, ઍલેક્સીઝનું કહેવું છે કે અમે ક્યારેય દીકરો કે દીકરી જન્મે એની પરવા કરી જ નહોતી, પણ દસ દીકરાઓ પછી દીકરી અવતરી હોવાથી વિશેષ ખુશી છે. તેમનો સૌથી મોટો દીકરો ૧૭ વર્ષનો છે અને સૌથી નાનો દીકરો બે વર્ષનો. હવે તેમના પરિવારમાં એક દીકરીનું આગમન થયું છે ત્યારે હવે કપલ થોડુંક મૂંઝાઈ ગયું છે. ઍલેક્સીઝનું કહેવું છે કે તેને આમ તો દસ બાળકો ઉછેરવાનો અનુભવ છે, પણ અત્યાર સુધી બધા જ છોકરા હોવાથી છેલ્લાં કેટલાંક સંતાનોના જન્મ પછી તો બધું બહુ રુટિન થઈ ગયેલું. હવે દીકરી માટે પિન્ક કલરની ચીજો ખરીદવાની, બેબી માટેનાં રમકડાં ખરીદવાનાં હોવાથી એક્સાઇટમેન્ટ ઑર વધી ગયું છે. લગભગ દર દોઢ વર્ષે એક બાળકને જન્મ આપનાર આ યુગલ હવે વધુ સંતાનો નથી ઇચ્છતું. ડેવિડ કહે છે કે બસ, હવે પરિવાર કમ્પ્લીટ થઈ ગયો છે. અલબત્ત, તેમના ફ્રેન્ડ્સનું કહેવું છે કે આવું તો તેઓ છેલ્લાં બે સંતાનો આવ્યાં ત્યારથી કહી રહ્યા છે. 

આ પણ વાંચોઃ જાણો આખરે કેમ ચીનમાં વધી રહી છે ગધેડાંઓની માંગ, અનેક દેશોમાંથી કરવામાં આવી રહી છે તસ્કરી

આટલો બહોળો પરિવાર હોવાને કારણે રોજનું કામ અને બધાની સંભાળ રાખવામાં ઍલેક્સીઝને ૨૪ કલાક પણ ઓછા પડે છે. ડેવિડ ટ્રેન ડ્રાઇવર છે અને સારું કમાય છે એટલે બધાનું લાલનપાલન કરવામાં ખાસ મુશ્કેલી નથી આવતી. પાંચ બેડરૂમવાળા ઘરમાં તેઓ રહે છે અને રોજ બ્રેડના ૧૬ લોફ, ૨૩ લીટર દૂધ અને વીકમાં ૧૦૦ પૅકેટ ક્રિસ્પ્સનાં ખરીદવા પડે છે. દીકરાઓ મોટા થઈ ગયા હોવાથી બધા જ ભાઈઓ નાનકડી બહેનની બહુ જ કાળજી રાખે છે.

offbeat news hatke news scotland