02 September, 2024 10:10 AM IST | Norway | Gujarati Mid-day Correspondent
બેલુગા વ્હેલ માછલી
વ્હેલ પણ જાસૂસી કરતી હશે? આવો સવાલ થવો સ્વાભાવિક છે. નૉર્વે પાસેના દરિયામાં ૨૦૧૯માં એક બેલુગા વ્હેલ માછલી જોવા મળી હતી. ૧૪ ફુટ લાંબી અને લગભગ ૧૫૦૦ કિલો વજન ધરાવતી આ સફેદ રૂની પૂણી જેવી વ્હેલના શરીર પર કૅમેરા લગાવવા માટે ડિઝાઇન કરેલાં સંસાધનો લાગેલાં હતાં જે સેન્ટ પીટર્સબર્ગમાં બન્યાં હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ વ્હેલના શરીર પર આપમેળે તો આ ઉપકરણો ન લાગ્યાં હોયને, નક્કી કોઈકે જાસૂસી માટે જ આ કારનામું કર્યું હશે. આવાં જાસૂસીનાં કામ રશિયા જ કરે એવી ધારણા સાથે આ માછલીને વ્લાદિમીર નામ આપવામાં આવ્યું અને એ રશિયન ટોહી મિશનનો હિસ્સો હશે એવું ધારી લેવામાં આવ્યું. જોકે એ પછી કોઈએ આ બેલુગા વ્હેલ પર પોતાનો દાવો ઠોક્યો નહોતો એટલે આ ખરેખર જાસૂસ છે કે કોઈ હાદસાનો શિકાર બની છે એ વિશે અટકળો શરૂ થઈ. નવાઈની વાત એ છે આ વ્હેલ માણસો સાથે બહુ ફ્રેન્ડલી હતી. પાંચ વર્ષ બાદ આ વ્હેલ મૃત અવસ્થામાં મળી આવી છે અને એની સાથે રશિયન જાસૂસીની અટકળોનો પણ અંત આવ્યો છે.