13 October, 2024 03:18 PM IST | Rabat | Gujarati Mid-day Correspondent
રણ તળાવમાં ફેરવાઈ ગયું
મૉરોક્કો દક્ષિણ પૂર્વમાં આવેલો રેતાળ દેશ છે. વિશ્વના સૌથી શુષ્ક અને કોરા પ્રદેશ ગણાતા મૉરોક્કોમાં ઉનાળો પૂરો થયા પછી ભાગ્યે જ વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં અનેક વિસ્તારોમાં બે દિવસ સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. પાટનગર રબાતથી ૪૫૦ કિલોમીટર દૂર આવેલા એક ગામમાં તો ૨૪ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આને કારણે રણપ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં વરસાદનાં પાણીનાં તળાવો થઈ ગયાં છે. મૉરોક્કોના હવામાન વિભાગે કહ્યું છે કે અત્યારે જેવો વરસાદ પડ્યો છે એવો છેલ્લાં ૫૦ વર્ષમાં ક્યારેય નથી પડ્યો. આગામી મહિનાઓમાં હવામાન બદલાશે એવી આગાહી પણ થઈ છે. દેશમાં ૬ વર્ષથી દુકાળ પડે છે. ખેડૂતોને ખેતી કરવા માટે પાણી જ નથી મળતું, પણ આ વરસાદને કારણે પાણીથી ઘટ ઓછી થઈ છે. ભારે વરસાદ પડ્યો છે એટલે ભૂગર્ભજળનું સ્તર વધવાની શક્યતા પણ છે.