29 May, 2025 01:18 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
અશોક રામ
રાંચીના રસ્તાઓ પર અશોક રામ નામના ભાઈ જ્યાંથી પસાર થાય ત્યાં લોકોની નજર ગયા વિના રહેતી જ નથી. જો અશોક રામ ઝડપથી પસાર થઈ જાય તોય લોકો પાછું વળીને તેના તરફ જુએ જ જુએ. કારણ? અશોક હંમેશાં ટૂ ઇન વન કલરમાં જ સજ્જ હોય છે. એ પણ જમણી બાજુનાં કપડાંનો એક કલર હોય તો ડાબી બાજુનો જુદો. શર્ટ, પૅન્ટ અને જૂતાંથી લઈને ટોપી સુધ્ધાં અડધોઅડધ વચ્ચેથી બે કલરમાં ડિવાઇડ થયેલાં હોય છે. ભાઈસાહેબે ચહેરાના પણ ડાબા અને જમણા એમ બે ભાગને જુદા કરવા માટે બ્લૅક ઍન્ડ વાઇટ ઇફેક્ટ આપી છે. જમણી બાજુની મૂછ કાળી રાખી છે તો ડાબી બાજુની મૂછ સફેદ. વાળ પણ એક બાજુ ગોલ્ડન છે અને બીજી બાજુ કાળા છે.
આ સાથે મૂકેલી તસવીરોમાં અશોક રામ બે કૉસ્ચ્યુમમાં દેખાય છે. એકમાં બ્લુ અને રેડ રંગનું કૉમ્બિનેશન છે, જ્યારે બીજામાં મિલિટરી અને CRPFના યુનિફૉર્મની પ્રિન્ટ છે. અશોક રામ પાસે સાતેય દિવસના જુદા રંગોવાળાં કપડાં છે. સોમવાર માટે બ્લૅક ઍન્ડ વાઇટ, મંગળવાર માટે બ્લુ ઍન્ડ રેડ, બુધવાર માટે મિલિટરી અને CRPF પ્રિન્ટ, ગુરુવારે બ્લુ ઍન્ડ બ્લૅક, શુક્રવારે બ્લુ ઍન્ડ વાઇટ અને શનિવારે રેડ ઍન્ડ બ્લૅક હોય છે અને રવિવારે ગોલ્ડન ઍન્ડ સિલ્વર વાઇટ રંગ હોય છે. ઇન ફૅક્ટ, તેની પાસે ત્રણ સ્કૂટર છે એ ત્રણ સ્કૂટરને પણ તેણે પોતાનાં કૉસ્ચ્યુમ્સની જેમ રંગેલાં છે. એક બ્લુ ઍન્ડ રેડ છે, બીજું મિલિટરી પ્રિન્ટવાળું છે.
અશોક રામે સ્કૂટર પર પણ ટૂ ઇન વન લખી નાખ્યું છે. આવું કરવા પાછળનું કારણ શું? તો એના જવાબમાં બહુ ઊંડી ફિલોસૉફિકલ વાતો કરતાં ભાઈસાહેબ કહે છે, ‘મને અહેસાસ થઈ ગયો છે કે આ દુનિયામાં બધું ખોટું છે. જો કંઈ સાચું હોય તો એ છે ધરતી અને આસમાન, શિવ અને પાર્વતી. બન્ને જ્યારે મળે છે ત્યારે એક થઈ જાય છે.