23 May, 2025 09:54 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
થોડા સમય પહેલાં નાગપુરનો ડૉલી ચાયવાલો ઇન્ટરનેટ પર ફેમસ થઈ ગયો હતો. જોકે રાજસ્થાનનો બદામ મિલ્ક વેચનારો એનાથીયે ચડે એવો છે. રોડ પર ફૂડ કે ડ્રિન્ક વેચતા લોકો જાતજાતના સ્ટન્ટ્સ કરીને કસ્ટમર્સને લુભાવતા હોય છે, પરંતુ રાજસ્થાની પહેરવેશમાં એક યુવાન જે રીતે બદામનું મિલ્ક તૈયાર કરે છે એનો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે. મધુ સુનીલ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે રાજસ્થાનના બદામ મિલ્કવાળાનો વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં ભાઈસાહેબ ડાબા હાથે માખણ લઈને દૂરથી જમણા હાથમાં રાખેલા જગમાં ફેંકે છે અને એક ચમચી માખણ સીધું એમાં જઈને જ પડે છે. એ પછી તે વારાફરતી દૂધમાં બીજી ચીજો પણ નાખે છે, પરંતુ એ સીધેસીધી નહીં. આગળ-પાછળ અને ઉપર-નીચે હાથ હલાવીને જાણે રાજસ્થાની ઘૂમર નૃત્ય કરતો હોય એવી અદાથી તે દૂધને મેળવે છે. તે જે સ્ટૂલ પર બેઠો છે એ પણ રિવૉલ્વિંગ છે. તે જે રીતે રિધમમાં ગોળ ઘૂમીને એક જગમાંથી બીજા જગમાં દૂધની લાંબી ધાર કરે છે એ જોવાનું મનોરમ્ય છે. તેની દૂધ તૈયાર કરવાની ડાન્સિંગ સ્ટાઇલને કારણે આ વિડિયોને ૪૫ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.