19 February, 2025 01:34 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
૩૦ વર્ષના વરરાજા પરમવીર રાઠોડનાં લગ્ન નિકિતા ભાટી સાથે નક્કી કરવામાં આવ્યાં.
રાજસ્થાનના જેસલમેરમાં પાલીથી રાઠોડ પરિવારની જાન વરરાજાને લઈને કરાલિયા નામના નાનકડા ગામમાં ભાટી પરિવારના આંગણે પહોંચી. ૩૦ વર્ષના વરરાજા પરમવીર રાઠોડનાં લગ્ન નિકિતા ભાટી સાથે નક્કી કરવામાં આવ્યાં હતાં. જાનનું સ્વાગત બહુ ધામધૂમથી કરવામાં આવ્યું. આ લગ્નમાં વરરાજાએ જે ક્રાન્તિકારી પગલું ભર્યું એની ચારે બાજુ વાહ-વાહ થઈ રહી છે. મારવાડી પરંપરા અનુસાર વરરાજાને સ્વાગત-તિલક કરે ત્યારે તિલકભેટ આપવામાં આવે એમાં અનેક ભેટની સાથે રોકડા ૫,૫૧,૦૦૦ રૂપિયા લાલ રેશમી કાપડ પાથરેલા થાળમાં સજાવીને વરરાજા પરમવીર રાઠોડને થાળ ભેટ કરવામાં આવ્યો હતો. વરરાજાએ લગ્ન બાદ આ થાળમાંથી એક રૂપિયો અને શ્રીફળનો શુકનરૂપે સ્વીકાર કરીને બાકીના પૈસા કન્યાપક્ષને પાછા આપ્યા હતા. વરરાજા અને તેના ઘરના સભ્યોની આ કાર્ય કરવા બદલ ચારે બાજુ બહુ પ્રશંસા થઈ રહી છે. બધા આ પગલાને એકઅવાજે વખાણી રહ્યા છે.
સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહેલો પરમવીર રાઠોડ કહે છે, ‘દહેજપ્રથા બંધ થવી જ જોઈએ. હું ભણેલો છું અને સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું તો સમાજમાં બદલાવ લાવવાનું કામ કરવું મારી નૈતિક જવાબદારી છે. ભણેલા લોકો બદલાવ નહીં લાવે તો કોણ લાવશે? મને પણ એક બહેન છે. દહેજની આ કુપ્રથાનો અંત થવો જ જોઈએ. મેં મારા પિતાને કહ્યું કે ક્યાંકથી તો શરૂઆત થવી જ જોઈએ એટલે અમે જ શરૂઆત કરી અને બહુ પ્રેમથી મારા સાસરાપક્ષને અપમાન ન લાગે એ રીતે પરંપરા અનુસાર સ્વીકાર કર્યો અને માત્ર એક રૂપિયો અને શ્રીફળ રાખીને બાકીના પૈસા પરત કર્યા.’
પરમવીર સાચે જ સુધારવાદી વિચારસરણી ધરાવે છે. તેની પત્ની નિકિતા પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરે છે અને લગ્ન બાદ પરીક્ષા આપવા જવાની છે.