03 April, 2026 12:47 PM IST | Praygraj | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અત્યારે ચોતરફ LPG સિલિન્ડરની કમી છે અને કમર્શિયલ LPG ખૂબ મોંઘો થઈ ગયો છે ત્યારે પ્રયાગરાજમાં અમનકુમાર ગુપ્તાએ તેની નાસ્તાની રેંકડી માટે અનોખો જુગાડ શોધી કાઢ્યો છે. લોકો LPG માટે અહીં-તહીં ભટકે છે અને ભાવવધારાથી હેરાન થઈ રહ્યા છે ત્યારે અમનકુમારે વેસ્ટ પ્રોડક્ટ્સમાંથી પોતાનો ચૂલો ચાલતો કરી દીધો છે. અમનની સમોસા અને જલેબીની રેંકડી છે. તેણે ખરાબ થઈ ગયેલા એન્જિન ઑઇલથી ચૂલો જલાવવાનું શરૂ કર્યું છે. તેના ચૂલામાં LPGની જરૂર જ નથી પડતી. તે વાહનોમાંથી નીકળેલું ખરાબ એન્જિન ઑઇલ જે કોઈ જ કામનું નથી હોતું એને બાટલીમાં ભરીને ઊંધી લટકાવે છે અને એનાથી જ તેનો ચૂલો ચાલે છે. અમન ગુપ્તા માત્ર દસમું ધોરણ પાસ છે. મીરાપુરના હરિ મંદિર પાસેની તેની રેંકડી પર તે એન્જિન ઑઇલ અને ઍર પ્રેશર મશીનનો પ્રયોગ કરીને ચૂલો જલાવે છે. એક ટર્બાઇન ઘુમાવવાથી કૉમ્પ્રેસર ચાલુ થાય છે અને કૉમ્પ્રેસરનું એન્જિન સિલિન્ડરોમાં વધારાની પ્રેશરવાળી હવા ફેંકે છે. એનાથી વધુ ઓછા ઈંધણમાં વધુ લાંબો સમય આગ મળે છે. આ આખું મેકૅનિઝમ અમનકુમારે જાતે જ તૈયાર કર્યું છે. એને કારણે અમનને LPGની કોઈ ચિંતા નથી.