29 September, 2025 10:38 AM IST | Germany | Gujarati Mid-day Correspondent
જર્મનીની એક ઍનિમલ ફોટોગ્રાફર અનોખી અદામાં પ્રાણીઓના ફોટો પાડવાનું પૅશન ધરાવે છે
જર્મનીની એક ઍનિમલ ફોટોગ્રાફર અનોખી અદામાં પ્રાણીઓના ફોટો પાડવાનું પૅશન ધરાવે છે. તાન્ઝા બ્રૅન્ટ નામનાં આ બહેને એક કૂતરો પાળ્યો છે. એ એટલો સ્વીટ, સમજુ છે કે કોઈ પણ પશુપંખીઓ સાથે ખૂબ સરળતાથી હળી-મળી જાય છે. પ્રાણીઓની ફોટોગ્રાફર હોવા ઉપરાંત તાન્ઝા જંગલ ખૂંદતી રહે છે અને એવામાં તેને કોઈ ઘાયલ પંખી કે પશુ મળી જાય તો એની સારવાર કરવા ઘરે લઈ આવે છે. તેને થોડા સમય પહેલાં વનમાંથી ઘુવડબાળ મળી આવ્યાં હતાં. તાન્ઝા એ બચ્ચાંઓને લઈને ઘરે આવી હતી. નવાઈની વાત એ હતી કે કૂતરા અને ઘુવડ વચ્ચે જાણે ગહેરી દોસ્તી હોય એમ બન્ને વર્તવા લાગ્યાં હતાં. બન્ને આરામથી એકબીજાની પર્સનલ સ્પેસમાં પોતાની જગ્યા બનાવી રહ્યાં હતાં એ તાન્ઝાએ કૅમેરામાં કેદ કરી લીધું છે. તાન્ઝાએ તેના ઇન્ગો નામના ડૉગીની બેબી ઘુવડ સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું છે બે અલગ-અલગ પ્રજાતિના જીવો વચ્ચે પણ અનોખો વિશ્વાસ અને જુડાવ જોવા મળે છે એ કુદરતની અજાયબી છે.