04 May, 2025 10:33 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પેટ ડૉગ જેવું જ ટૅટૂ પોતાના શરીર પર છૂંદાવી દીધા પછી ખબર પડી કે એ તો નસબંધીની નિશાની હતી
ક્યારેક પાળતુ પ્રાણીઓના પ્રેમમાં કેટલાક લોકો સમજ્યા વિના જ નિર્ણયો લઈ લેતા હોય છે. પાળતુ ડૉગીને લાડ લડાવવામાં પેટલવર્સ કંઈ કસર નથી છોડતા. એટલું જ નહીં, પેટ સાથે ઐક્ય અનુભવવાની અને એને પોતાનું સંતાન ગણાવવાની પણ આજકાલ ફૅશન છે. જોકે અણસમજમાં ક્યારેક પ્રેમ કેવી મુસીબતમાં મૂકી દઈ શકે છે એનો એક કિસ્સો એક પેટલવરે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. વાત એમ હતી કે તે ભાઈએ શેલ્ટર હોમમાંથી એક ડૉગ અડૉપ્ટ કરેલો. ધીમે-ધીમે કરતાં આ ડૉગી સાથે તેને જબરો લગાવ થઈ ગયો. જ્યારે ડૉગી ઘરે આવ્યો ત્યારે તેના બૉડી પર એક અજીબ નિશાન જોવા મળેલું. પાળેલો ડૉગી પોતાનો છે એની સાઇન દર્શાવવા માટે તેણે આ જ નિશાન પોતાના શરીર પર છૂંદાવી દીધું. થોડા દિવસ તો વાંધો ન આવ્યો, પણ જ્યારે શેલ્ટર હોમ માટે કામ કરતા એક ફ્રેન્ડને મળવાનું થયું ત્યારે માણસના શરીર પર આ નિશાન જોઈને તે ચોંકી ગયો. જ્યારે તેણે આ નિશાની શાની છે એનો ફોડ પાડ્યો ત્યારે તો ભાઈના પગ તળેથી ધરતી સરકી ગઈ. શેલ્ટર હોમમાં જે કૂતરાઓની નસબંધી થઈ ગઈ હોય એમના પર આવું નિશાન બનાવવામાં આવતું હોય છે. હવે એ જ નિશાન પોતાના હાથ પર લઈને ફરવાનું પેલા ડૉગ પાળનારા ભાઈ માટે દુર્ભર થઈ ગયું છે. હવે કાં તો તેણે આ ટૅટૂ રિમૂવ કરાવવાનો ખર્ચો કરવો પડે કાં પછી એને મૉડિફાય કરીને નિશાનીને બદલી નાખવી પડે એમ છે. જોકે અત્યારે તો એ ભાઈએ એ સિમ્બૉલ એમ જ રાખવાનું નક્કી કર્યું છે.