03 August, 2025 09:00 AM IST | Spain | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દસ વર્ષના દીકરાનો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો હોવાથી પેરન્ટ્સ તેને ઍરપોર્ટ પર છોડીને જ વેકેશન માટે નીકળી ગયા
સ્પેનના એક ઍરપોર્ટ પર વેકેશન મનાવવા માટે વિદેશ ટ્રાવેલ કરી રહેલા એક યુગલે માની ન શકાય એવું પગલું ભર્યું હતું. ઍરપોર્ટના એક સ્ટાફના કહેવા મુજબ એક દંપતી દસ વર્ષના બાળક સાથે ફ્લાઇટ પકડવા આવ્યું હતું. જોકે ઍરપોર્ટ પર પહોંચ્યા પછી ખબર પડી કે દીકરાનો પાસપોર્ટ તો એક્સપાયર થઈ ગયો છે. વિના પાસપોર્ટ તેઓ ટ્રાવેલ કરી શકે એમ નહોતા. આવા સંજોગોમાં માતા-પિતા તેમના રાબેતા મુજબની ફ્લાઇટમાં બેસીને વેકેશન માણવા નીકળી પડ્યાં હતાં અને દસ વર્ષનો છોકરો ઍરપોર્ટ પર જ અટવાઈ ગયો. ઍર ઑપરેશન્સ કો-ઑર્ડિનેટરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક કપલને ખબર પડી હતી કે તેમના દીકરાનો પાસપોર્ટ ખતમ થઈ ગયો હોવાથી ટ્રાવેલ કરવા માટે તેને વીઝાની જરૂર પડશે. જોકે એ જાણીને તેઓ પોતાની સફર મુલતવી રાખવાને બદલે તેમણે દસ વર્ષના છોકરાને ટર્મિનલ પર જ છોડી દીધો અને તેઓ પ્લેનમાં બેસી ગયા. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે તેમણે પોતાના સંબંધીને બોલાવ્યા છે, તેઓ આવીને દીકરાને લઈ જશે. દીકરાએ કહ્યું હતું કે મમ્મી-પપ્પા રજાઓ માણવા જઈ રહ્યાં છે અને મને એકલો મૂકી દીધો. ઍરપોર્ટ સ્ટાફના અધિકારીઓ પણ પેરન્ટ્સની આ હરકતને કારણે ગુસ્સે થઈ ગયા હતા. એવું જાણવા મળ્યું હતું કે પ્લેનમાં બેસી ગયેલા પેરન્ટ્સને પાછળથી ઉતારી મૂકવામાં આવ્યા હતા અને પોલીસ-સ્ટેશને ક્રૉસ વેરિફિકેશન માટે લઈ જવામાં આવ્યા હતા.