પાબ્લો પિકાસોનું આ પેઇન્ટિંગ વેચાયું ૧૧૫૨ કરોડ રૂપિયામાં

10 November, 2023 01:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રખ્યાત સ્પૅનિશ કલાકારને વેચાણ દ્વારા પ્રાપ્ત થયેલી આ બીજી સૌથી મોટી રકમ છે

પાબ્લો પિકાસોનું પેઇન્ટિંગ

પાબ્લો પિકાસોની ‘વુમન વિથ અ વૉચ’ શીર્ષક હેઠળના એક માસ્ટરપીસ પેઇન્ટિંગની ન્યુ યૉર્કમાં સૉધબીઝ ખાતે ૧૧૫૨ કરોડ રૂપિયાની અધધધ રકમમાં હરાજી કરવામાં આવી હતી. પ્રખ્યાત સ્પૅનિશ કલાકારને વેચાણ દ્વારા પ્રાપ્ત થયેલી આ બીજી સૌથી મોટી રકમ છે.

૧૯૩૨માં બનાવવામાં આવેલું આ પેઇન્ટિંગ ફ્રેન્ચ પેઇન્ટર મૅરી-થેરેસી વૉલ્ટરને ચિત્રિત કરે છે જેઓ પિકાસોના સાથી હતા. હરાજી પહેલાં જ આ આર્ટવર્કની કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જે સાચો પડ્યો છે.

આ હરાજી ન્યુ યૉર્કમાં સૉધબી દ્વારા આયોજિત સ્પેશ્યલ સેલનો એક ભાગ હતી, જેમાં ન્યુ યૉર્કના અગ્રણી આર્ટ પેટ્રન એમિલી ફિશર લેન્ડાઉના કલેક્શનને દર્શાવવામાં આવ્યું હતું. સૉધબી સ્થિત મૉડર્ન આર્ટના હેડ જુલિયન ડાવેસે પિકાસોના પેઇન્ટિંગને ‘દરેક માપદંડ દ્વારા શ્રેષ્ઠ કૃતિ’ તરીકે બિરદાવી હતી.

new york offbeat news international news