11 November, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૮૦ કિલોમીટરની ઝડપે હાઇવે પર બસ ચલાવતી વખતે ડ્રાઇવર બિગ બૉસ જોતો હતો
છેલ્લા બે મહિનાથી ભારતભરમાં હાઇવે પર બસના અકસ્માતો ખૂબ જ વધી ગયા છે. ક્યાંક આગ લાગી જાય છે તો ક્યાંક બસ ખાડીમાં પડી જાય છે. રાજ્ય સરકારો બસ-ટ્રાન્સપોર્ટને સુરક્ષિત બનાવવા માટેના નવા નિયમો બનાવી રહી છે ત્યારે મુંબઈથી હૈદરાબાદ જતી બસમાં થયેલી એક ઘટના ચોંકાવનારી છે. ગયા અઠવાડિયાની આ ઘટનામાં બસ ચલાવતી વખતે ડ્રાઇવરનું ધ્યાન કંઈક બીજે જ પરોવાયેલું છે. આ ઘટનાનો વિડિયો એ જ બસમાં યાત્રા કરી રહેલા મુસાફરે બનાવ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે હાઇવે પર બસનો ડ્રાઇવર ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બસ ચલાવી રહ્યો છે અને તેના સ્ટીઅરિંગની સામે પડેલા સ્માર્ટફોનમાં ‘બિગ બૉસ’ શો ચાલી રહ્યો છે. આ ઘટનાની ક્લિપ જોઈને લોકોએ સવાલ કર્યો છે કે બસ ચલાવતી વખતે આવું બેધ્યાનપણું થાય તો અકસ્માતો ન થાય તો જ નવાઈ.