20 June, 2020 08:06 AM IST | Yemen | Gujarati Mid-day Correspondent
ઇંડાંનો ટાવર
કોઈ પણ વસ્તુનો ટાવર બનાવવો હોય તો એ વસ્તુને સ્થિર ઊભી રાખવા જેવો બેઝ હોવો મસ્ટ છે, એટલે જો કોઈ કહે કે ઈંડાંનો ટાવર બનાવવો છે તો એ સંભવ છે? હા, તાજેતરમાં યમનના એક ભાઈએ આ અસંભવને સંભવ કરી દેખાડ્યું છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે એકની ઉપર એક ઈંડાં ગોઠવીને ટાવર બનાવવાના બૅલૅન્સિંગ ઍક્ટનો વિડિયો સોશ્યલ નટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું છે, ‘તમે આવું પહેલાં ક્યારેય જોયું છે?’ જોનાર ખરેખર એવું કહી શકે કે ‘ના, આવું ક્યારેય જોયું નથી અને જે જોઈએ છીએ એ માન્યામાં આવતું નથી’
વિડિયોમાં યમનના રહેવાસી મોહમ્મદ આબેલહામીદ મોહમ્મદ મકબેલની એકની ઉપર એક ઈંડાં ગોઠવીને એનો ટાવર બનાવવાની કરામત છે. એકની ઉપર બીજું ઈંડું ગોઠવીને બન્નેને એકાદબે સેકન્ડ માટે સ્થિર રાખવાં અશક્ય મનાય છે. આબેલહામીદનું કહેવું છે કે આ કરામત એકાગ્રતા, ધીરજ અને લાંબા વખતની પ્રૅક્ટિસને કારણે શક્ય બની છે.