ફુલટાઇમ પ્રોફેશનલ ગેમર બનવા આ ટીનેજરે ભણવાનું છોડી દીધું

23 May, 2019 12:02 PM IST  | 

ફુલટાઇમ પ્રોફેશનલ ગેમર બનવા આ ટીનેજરે ભણવાનું છોડી દીધું

બેન્જી

આખો દિવસ મોબાઇલમાં ગેમ રમતાં સંતાનોને જોઈને પેરન્ટ્સને ચિંતા થતી હોય છે કે જો આમ જ રમતો રહેશે તો મોટો થઈને શું બને? જોકે ઇંગ્લૅન્ડના મિડલસેક્સ શહેરમાં રહેતા બેન્જી ફિશ નામના ૧૫ વર્ષના કિશોરે તો તેના પેરન્ટ્સની ચિંતા જ સોલ્વ કરી નાખી છે. ભાઈસાહેબે ભણવાનું છોડીને અત્યારથી જ પ્રોફેશનલ ગેમર બની જવાનું નક્કી કરી લીધું છે. હજી ત્રણ મહિના પહેલાં જ બેન્જીએ આ નિર્ણય લીધો અને તેણે ફોર્ટનાઇટ ગેમ રમીને ૨૫,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ બાવીસ લાખ રૂપિયા કમાઈ લીધા છે. ફોર્ટનાઇટ ગેમની વર્લ્ડ કપ ઇવેન્ટ માટે પણ તે ક્વૉલિફાય થઈ ગયો છે. આ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થનારા પાર્ટિસિપન્ટ્સને પણ લાખો રૂપિયા મળે છે. જોકે તે એક પછી એક પડાવો પાર કરીને ફોર્ટનાઇટ વર્લ્ડ કપમાં ઘણો સારો દેખાવ કરી રહ્યો છે. જો તે ચૅમ્પિયન બની શકશે તો ૩૫ કરોડ રૂપિયાથી વધુનું ઇનામ જીતશે. જુલાઈ મહિનામાં તેની ફાઇનલ કૉમ્પિટિશન છે અને એમાં બેન્જીનું ભવિષ્ય નક્કી થઈ જશે. નવાઈની વાત એ છે કે તેણે ગેમ રમવા પાછળ ફોકસ કરવા માટે ત્રણ વર્ષ પહેલાં જ સ્કૂલ છોડી દીધી હતી. તે માત્ર ટ્યુટર્સ પાસેથી ભણે છે. આ બધું તે મમ્મીના પ્રોત્સાહનથી કરી રહ્યો છે.


આ પણ વાંચો : દીકરીની ઈચ્છા પૂરી કરવા કાર્પેન્ટરે બનાવી લાકડાની કાર

offbeat news