આ ખતરનાક પંખીએ માલિકને જ મારી નાખ્યા

17 April, 2019 09:12 AM IST  |  ફ્લોરિડા

આ ખતરનાક પંખીએ માલિકને જ મારી નાખ્યા

ખતરનાક પંખી

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ગિનીમાં જોવા મળતું કૅસોવેરી નામનું પંખી વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી ખતરનાક પંખી માનવામાં આવે છે. તેના શરીરને ઢાંકી દે એવી કાળી પાંખો, લાલ અને નીલા રંગની ઊંચી ગરદન અને માથા પર મુકુટ જેવું પંખ ધરાવતું આ પક્ષી વજનદાર હોય છે. એનું વજન લગભગ ૯૦થી ૧૦૦ કિલો જેટલું હોય છે અને પગના પંજાના નખ મોટા અને ધારદાર હોય છે જે કોઈ જંગલી પશુના નહોર જેવા હોય છે. આવું ખતરનાક પ્રાણી અમેરિકાના ફ્લોરિડામાં માર્વિન હાજોસ નામના ૭૫ વર્ષના કાકાએ પાળેલું. તેમણે પોતાના ખેતરમાં એક પાંજરામાં આ પક્ષીને રાખેલું. આ પક્ષીઓનો મુખ્ય ખોરાક ફળો હોય છે. માર્વિન સવારના પહોરમાં પક્ષીને ખાવાનું આપવા ગયેલો ત્યારે અચાનક જ તેણે માલિક પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો : 12 વર્ષની આ કન્યાએ જાતકમાણીથી બર્થ-ડે ગિફ્ટમાં ખરીદી BMW

વારંવાર પંજા અને નહોર મારી-મારીને માર્વિનને તેણે અધમૂઓ કરી નાખ્યો. માર્વિનની ગર્લફ્રેન્ડની નજર પડતાં તેણે બીજા લોકોને બોલાવ્યા અને પંખીને ત્યાંથી ભગાડ્યું અને માર્વિનને હૉસ્પિટલ પહોંચાડ્યો. જોકે ત્યાં સુધીમાં માલિકનું પ્રાણપંખેરું ઊડી ગયેલું. ફ્લોરિડા પોલીસે આ પંખીને પકડી લીધું છે. હવે આ ખતરનાક પંખીનું શું કરવું એ મોટો કોયડો છે.

florida offbeat news hatke news