16 August, 2020 07:09 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
ગોળ દડા જેવા આકારની આ લીલ બહુ દુર્લભ છે
ઠંડા પ્રદેશોની જીવસૃષ્ટિ, ગરમ પ્રદેશોની જીવસૃષ્ટિ અને સમશીતોષ્ણ પ્રદેશની જીવસૃષ્ટિની દરેકની આગવી વિશેષતા હોય છે. ઠંડા પ્રદેશોના ચાર દેશોમાં ખાસ પ્રકારની લીલ પાણીમાં થાય છે. એ લીલ લોકપ્રિય ભાષામાં મરીમો નામે પણ ઓળખાય છે. જપાન, આઇસલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને એસ્ટોનિયામળી ચાર જ દેશોમાં ઊગતી આ લીલની ઘણી વિશેષતા છે. લીલા રંગના દડાના આકારની લીલ વિકસીને ૪૦ સેન્ટિમીટરના વ્યાસ જેટલો એનો વ્યાપ થાય છે. જોકે એનો વિકાસ ઘણો ધીમો એટલે કે વર્ષે પાંચ મિલીમીટર જેટલો હોય છે. સમય વીતતાં આ પ્રકારની લીલ દુર્લભ થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં એની ખૂબ મોટી ઊપજ મળે છે અને એ પર્યટકોનું આકર્ષણ બન્યું છે.
જપાનના ઈસ્ટ હકાઇડોના લેક અકાનમાં આ પ્રકારની લીલ સારીએવી માત્રામાં ઊગે છે. એક તબક્કે ટોક્યોમાં મરીમો લીલનો ભાવ ૧૦૦૦ યેન (અંદાજે ૪.૮૬ લાખ રૂપિયા) સુધી પહોંચ્યો હતો. જપાનમાં ૧૯૨૧માં રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવામાં આવેલી એ લીલની જાળવણી બાબતે બેદરકારીનો માહોલ ૧૯૫૦ પૂર્વેના વખતમાં નોંધાયો હતો. એ વખતમાં મૃત મરીમોના ઢગલા જોવા મળ્યા હતા. એ લીલની જાળવણી વિશે લોકજાગૃતિ રૂપે ૧૯૫૦ની ૭ ઑક્ટોબરે જપાનમાં મરીમો ફેસ્ટિવલ યોજવાની શરૂઆત કરવામાં આવી હતી.