દીકરીની ઈચ્છા પૂરી કરવા કાર્પેન્ટરે બનાવી લાકડાની કાર

23 May, 2019 11:54 AM IST  |  લિમા

દીકરીની ઈચ્છા પૂરી કરવા કાર્પેન્ટરે બનાવી લાકડાની કાર

દીકરી માટે પિતાએ બનાવી લાકડાની કાર

દીકરીની ઇચ્છા પૂરી કરવા માટે પિતા કઈ હદ સુધી જઈ શકે એનો ઉત્તમ દાખલો પેરુમાં જોવા મળે એમ છે. પેરુના લિમા શહેરમાં રહેતા બિન્વેન્ડિઓ ઓર્ટેગા નામના એક કાર્પેન્ટર ભાઈને ન્યુ યૉર્કમાં રહેતી એનેલી નામની દીકરીએ પંદર વર્ષની વયે જિદ કરેલી કે તે નવી કાર ખરીદીને નહીં, પણ લાકડામાંથી કાર બનાવીને પોતાના માટે લાવે. એ પણ પેરુથી ન્યુ યૉર્ક સુધી ચલાવીને લાવે. આ વાત ૨૦૧૭ની છે. પિતાએ ભેજું લડાવીને એક શેવરોલે કારનું જૂનું એન્જિન લઈને એનું મૉડલ લાકડામાંથી બનાવ્યું અને નીકળી પડ્યા ન્યુ યૉર્ક જવા.

જોકે નસીબ ખરાબ કે કોલંબિયામાં લાકડાની કાર બગડી. એને રિપેર કરતાં વાર લાગે એમ હતી, પણ તેને કાર રિપેર થાય અને જર્ની આગળ વધારી શકે એ માટે વીઝાનું એક્સ્ટેન્શન ન મળ્યું. આખરે તેઓ પોતાના એક મિત્રને એ કાર ગિફ્ટ કરીને ત્યાંથી પાછા વળી ગયા. આ વાતને એક વર્ષ જતું રહ્યું, પણ દીકરીની ડિમાન્ડ પૂરી કરવાની પિતાની ઇચ્છા અપરંપાર હતી. ગયા વર્ષે તેમને બે અલગ-અલગ બીટલ કારમાંથી કાઢેલાં ચૅસિસ અને મોટર મળ્યાં. ભાઈએ ફરીથી દીકરી માટે એમાંથી લાકડાની બીટલ કાર તૈયાર કરવા માટે કમર કસી લીધી. ખૂબ ટ્રૅડિશનલ બીટલ કારને બે દરવાજા હોય, પણ બિન્વેન્ડિઓભાઈએ પોતાની કારમાં ચાર દરવાજા રાખ્યા.

કાર પર શિપ કૅબિનને પ્રોટેક્ટ કરવા માટે વપરાતા વાર્નિશનો કોટ લગાવીને પર્ફેક્ટ કાર બનાવી દીધી. માર્ચ મહિનામાં કાર બની ગઈ અને તેમણે લિમાના ઘરેથી દીકરીને ત્યાં જવા માટે રોડ ટ્રિપની પણ શરૂઆત કરી દીધી છે. લાકડાની કાર હોવાથી એને રિપેર કરવા માટે વારંવાર બ્રેક લેવો પડે છે. હાલમાં ફરીથી તેમણે વીકનો બ્રેક લીધો છે, પણ પાંચમી જુલાઈએ તેમની દીકરીનો ૧૭મો જન્મદિવસ છે ત્યાં સુધીમાં ન્યુ યૉર્ક શહેર પહોંચી જવાની તેમની ગણતરી છે.

આ પણ વાંચો : મૂર્તિ મળી, જ્યારે તપાસ કરી તો સામે આવ્યું ચોંકાવનારું સત્ય

offbeat news