30 May, 2019 08:59 AM IST | બ્રાઝિલ
બૉડીબિલ્ડર
બ્રાઝિલમાં રહેતા વૅલાદિર સેગાટો નામના ભાઈ આમ તો જીવનની અડધી સદી મારી ચૂક્યા છે પણ તેમનો બૉડીબિલ્ડિંગનો ક્રેઝ તેમને અત્યંત જોખમી કહેવાય એવાં કામો કરાવી રહ્યો છે. હૉલીવુડ ફિલ્મના હલ્ક જેવો લુક મેળવવાનો તેનો અભરખો એટલો છે કે તેણે બાવડાં, પેટ અને જે મસલ્સને ઊભારવા હોય ત્યાં સિન્થોલ તરીકે જાણીતા ખાસ મિશ્રણનાં ઇન્જેક્શન લેવાનું શરૂ કર્યું છે. એ મિશ્રણમાં ૮૫ ટકા તલનું તેલ, ૭.૫ ટકા લિડોકેઇન અને ૭.૫ ટકા આલ્કોહોલ હોય છે. આલ્કોહોલને કારણે મિશ્રણ સ્ટરાઇલ રહે છે અને લિડોકેઇન એ એક પ્રકારનું પેઇનકિલર છે. જોકે આવાં ઇન્જેક્શન્સને કારણે તેના મસલ્સ આર્ટિફિશ્યલ લાગે એ હદે ફુલી ગયા છે. તેનાં બાવડાં ૨૩ ઇંચનો વ્યાસ ધરાવે છે.
આ પણ વાંચો : બોલો, આ બહેનને માઇકલ જૅક્સનનો ફોબિયા છે
વર્ષોથી તેણે નિયમિતપણે મસલ્સમાં આ રીતે તેલવાળાં ઇન્જેક્શન્સ લેવાનું શરૂ કર્યું છે અને ત્રણેક વર્ષ પહેલાં તો તેની હાલત એવી જોખમમાં મુકાઈ ગયેલી કે કદાચ તેને એક હાથ કાપી નાખવો પડશે એવી સ્થિતિ હતી. એ વખતે લાંબી સારવાર પછી તે બચી ગયેલો. એમ છતાં, હજીયે તેની આદત સુધરતી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારે મસલ્સ અને ટિશ્યુઝમાં લિક્વિડ ભરવાને કારણે તેની ધમનીઓ બ્લૉક થઈ જાય અને પ્રાણઘાતક સ્ટ્રોક આવી શકે એવી સંભાવના છે.