79 વર્ષનાં નિવૃ‌ત્ત મહિલા પ્રોફેસરે આખી જિંદગીમાં કદી વીજળી વાપરી જ નથી

09 May, 2019 09:08 AM IST  |  પુણે

79 વર્ષનાં નિવૃ‌ત્ત મહિલા પ્રોફેસરે આખી જિંદગીમાં કદી વીજળી વાપરી જ નથી

આ મહિલાએ આખી જિંદગીમાં કદી વીજળી વાપરી જ નથી

ભીષણ ગરમીમાં જો આપણે બે-પાંચ કલાક પણ ઇલેક્ટ્રિસિટી વિના કાઢવાના હોય તો એની કલ્પના પણ કેટલી અસહ્ય થઈ જાય છે? જોકે પુણેમાં રહેતાં એક બહેને આખી જિંદગી વીજળી વિના જ વિતાવી છે. બુધવાર પેઠમાં રહેતાં ડૉ. હેમા સાને એ બહાદુર બહેન છે જેણે આ કારનામું કર્યું છે. એવું નથી કે બહેનને વીજળી પરવડે એમ નથી, પણ તેમનો પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ એવો છે જે તેમણે કદી વીજળી વાપરવા વિશે વિચાર્યું જ નથી. ડૉ હેમાનું માનવું છે કે માણસ માટે રોટી, કપડાં અને મકાન એ બુનિયાદી જરૂરિયાતો છે. એક સમય હતો જ્યારે વીજળી હતી જ નહીં. વીજળી તો ઘણાં વર્ષો પછી આવી, બાકી હું તો વીજળી વિના જ બધું કામ કરી લઉં છું. એકવીસમી સદીમાં દુનિયા ક્યાંય આગળ વધી ચૂકી છે ત્યારે આ સિનિયર સિટિઝનની આવી જૂનવાણી વિચારધારા માટે કેટલાક લોકો તેમને મૂરખ માને છે. હેમાબહેન કહે છે, ‘લોકો માટે હું મૂરખ હોઈશ, પણ મને એનાથી કોઈ ફરક નથી પડતો કેમ કે મારો જીવન જીવવાનો રસ્તો અલગ છે. હું મને પસંદ આવે એવી જિંદગી જ જીવું છું.’

ડૉ. હેમા સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટીમાંથી વનસ્પતિ વિજ્ઞાનમાં પીએચડી હાંસલ કરી ચૂક્યા છે અને અનેક વર્ષો સુધી પુણેની ગરવારે કૉલેજમાં પ્રોફેસર રહી ચૂક્યાં છે. તેમનું ઝૂંપડી જેવું નાનકડું ઘર છે જે ચોમેરથી વૃક્ષો અને છોડથી ઘેરાયેલું છે અને એમાં અનેક પંખીઓનો વસવાટ છે. હેમાબહેને વનસ્પતિ વિજ્ઞાન અને પર્યાવરણ પર અનેક પુસ્તકો પણ લખ્યાં છે. પર્યાવરણ વિશેનું તેમનું જ્ઞાન એટલું ઊંડું છે કે ભાગ્યે જ કોઈ વનસ્પતિ કે પંખીની પ્રજાતિ વિશે તેમને ખબર ન હોય એવું બને.

pune offbeat news hatke news