18 May, 2025 03:36 PM IST | Gwalior | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગ્વાલિયરમાં ૨૩ વર્ષની એક નવીનવેલી દુલ્હનને પોતાના પતિની વર્તણૂક પર શક હતો. કલાકો સુધી ફોન પર રચ્યોપચ્યો રહેતો અને ફોન આવે ત્યારે વાત કરવા ઘરની બહાર જતો રહેતો પતિ ક્યાંક નવી-નવી કન્યાઓ સાથે તો ચક્કર નથી ચલાવતોને? આવી શંકાથી મજબૂર થઈને પત્નીએ પોતાની બહેનના નામે એક સિમ કાર્ડ લીધું અને એ નંબરથી નવું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને અત્યંત સુંદર અને ગ્લૅમરસ યુવતીની તસવીરો સ્ટેટસમાં રાખી અને પતિને ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલી. તેના પતિએ પણ તરત જ એ રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરી લીધી અને તેની સાથે ચૅટ પણ કરવા લાગ્યો. થોડા દિવસ આમ જ ખોટા નામે પતિ સાથે ચૅટ કરીને પત્નીએ તેને રંગેહાથ પકડવા રૂબરૂ મળવાની જાળ નાખી. પતિ તરત જ રેસ્ટોરાંમાં મળવા પણ તૈયાર થઈ ગયો. જોકે જ્યારે રેસ્ટોરાંમાં કોઈ બીજી યુવતીને બદલે પત્નીને જ જોઈ તો શૉક થઈ ગયો. આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો. પોલીસે મહિલા સલાહ કેન્દ્રમાં પતિ અને પત્નીનું એક મહિના માટે કાઉન્સેલિંગ કરાવ્યું. પતિએ પોતાની ભૂલ સ્વીકારીને હવે પછી આવું નહીં કરે એવું વચન આપ્યું છે.