19 December, 2025 12:04 PM IST | New York | Gujarati Mid-day Correspondent
AI કૅફે
અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં દુનિયાનું પહેલું એવું કૅફે ખૂલ્યું છે જ્યાં તમે AI ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ સાથે ડેટ પર જઈ શકશો. આ કૅફે-કમ-રેસ્ટોરાંમાં લોકો અસલી માણસ સાથે નહીં પરંતુ મોબાઇલમાં હાજર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ક્રીએટ થયેલા પાર્ટનર સાથે જાય છે અને રોમૅન્ટિક ડેટ માણી શકે છે. રેસ્ટોરાંની અંદર રોમૅન્ટિક માહોલ હોય છે અને તમે તમારા AI પાર્ટનરને મૂકી શકો એ માટે ખૂબ સુંદર સજાવેલું ફોન-સ્ટૅન્ડ હોય છે. એના પર ફોનને, સૉરી બૉયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડને મૂકીને તમે તેની સાથે આંખોમાં આંખો પરોવીને વાતો કરી શકો છો અને ડિનરનો લુત્ફ ઉઠાવી શકો છો. આ કૅફેનો કન્સેપ્ટ ૨૦૧૩ની હૉલીવુડની ફિલ્મ Herની યાદ અપાવે છે. આ કૅફે ખોલવાનો હેતુ એ છે કે કેટલાક લોકો સોશ્યલ ઍન્ગ્ઝાયટીનો ભોગ બનેલા હોય છે. અસલી ડેટિંગથી થાકી ગયેલા સિંગલ લોકો કોઈ પાર્ટનર નથી એ વાતનું પ્રેશર ન અનુભવે અને તેમની મનગમતી જગ્યાએ થોડો સમય રિલૅક્સ થઈને વર્ચ્યુઅલ સાથે દિલ ખોલીને વાત કરી શકે એ માટે આ કૅફે ખોલવામાં આવ્યું છે.