03 July, 2023 11:41 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
શનિનાં વલયો
નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપને વિશ્વનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ ગણવામાં આવે છે. ગયા વર્ષે એણે બ્રહ્યાંડની અદ્ભુત તસવીરો લીધી હતી. હવે ટેલિસ્કોપે શનિનાં આઇકૉનિક વલયોની અદ્ભુત તસવીરો કૅપ્ચર કરી છે. શનિની આ ઇન્ફ્રારેડ ઇમેજ એના વાતાવરણની આશ્ચર્યજનક પૅટર્ન દર્શાવે છે, કારણ કે વલયો બહુ જ ચમકતાં દેખાય છે. નાસાએ જણાવ્યુ હતું કે ટેલિસ્કોપ દ્વારા અવલોકન કરાયેલી આ તરંગલંબાઈ પર શનિ પોતે અત્યંત અંધારો દેખાય છે, કારણ કે મિથેન ગૅસ વાતાવરણ પર પડતા તમામ સૂર્યપ્રકાશને શોષી લે છે. બર્ફીલાં વલયો પ્રમાણમાં તેજસ્વી રહે છે. પરિણામે શનિનો ગ્રહ કંઈક અલગ જ દેખાય છે. આ તસવીર જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા ૨૦ કલાકના શનિના અવલોકન ઑપરેશન દરમ્યાન લેવામાં આવી હતી. નાસાના ટેલિસ્કોપે લીધેલી બે તસવીરોમાં શનિનો ગ્રહ ઝાંખો દેખાય છે. એક તસવીરમાં શનિ ગ્રહના ચંદ્રો પણ દેખાય છે. આ તસવીરોમાં શનિના ૧૪૫ ચંદ્ર પૈકી ત્રણ એન્સેલેડસ, ડિયોન અને ટેથીસને દર્શાવે છે.