15 December, 2023 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક ફૂડ-ડિલિવરી કંપનીએ એક બ્લૉગ બહાર પાડ્યો છે જેમાં ૨૦૨૩ના વર્ષમાં તેની કંપનીએ મેળવેલા ઑડર્સનું વિશ્લેષણ કરીને ક્યાંના લોકોએ કઈ વાનગી કેટલી માત્રામાં ઑર્ડર કરી છે એની રસપ્રદ વિગતો બહાર પાડી છે.
આ કંપનીના દાવા મુજબ મુંબઈના એક યુઝરે સ્વિગી પાસેથી ૪૨.૩ લાખ રૂપિયાનું અધધધ ફૂડ ઑર્ડર કર્યું હતું અને એ પણ માત્ર ૨૦૨૩માં. આ ઉપરાંત સ્વિગી પર ઝાંસીના રહેવાસીએ એક જ દિવસમાં ૨૬૯ આઇટમ્સનો ઑર્ડર આપ્યો હતો. એ જ રીતે ભુવનેશ્વરના એક ઘરમાંથી ૨૦૭ પીત્ઝાનો ઑર્ડર આવ્યો હતો.
બૅન્ગલોરથી ચૉકલેટ કેકના ૮૫ લાખ ઑર્ડર મળ્યા હતા એટલે કંપનીએ બૅન્ગલોરને ‘કેક કૅપિટલ ઑફ ઇન્ડિયા’નો ખિતાબ આપ્યો છે. એ સિવાય સમગ્ર દેશમાં વૅલેન્ટાઇન્સ ડેએ દર મિનિટે ૨૭૧ કેકનો ઑર્ડર આવ્યો હતો. દુર્ગાપૂજા વખતે દેશભરમાંથી ૭૭ લાખ ગુલાબજાંબુના ઑર્ડર આવ્યા હતા. મનપસંદ મસાલા ઢોસા નવરાત્રિ દરમ્યાન શાકાહારી ઑર્ડરમાં મોખરે રહ્યા હતા.
સતત આઠમા વર્ષે સૌથી વધુ ઑર્ડર થયેલી ડિશ તરીકે બિરયાનીનો દબદબો ૨૦૨૩માં પણ છવાયેલો રહ્યો હતો.